રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકીય સન્યાસ લીધો છે. પોતાની રાજકીય કારકિર્દીમાંથી સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી યોજવાની છે જેની તૈયારીઓ પણ તમામ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચુંટણી પહેલા જ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકીય સન્યાસ લઈ લેતા અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.
ઇન્દ્રનીલ રાજકોટ-68માંથી ધારાસભ્ય બન્યા હતા
ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને જૂના કોંગ્રેસી નેતા છે ત્યારે તેમણે રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરતાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. રાજકોટ-68માંથી ધારાસભ્ય બન્યા હતા અને બીજી વખત રાજકોટ-69માં વિજયભાઈ સામે ચૂંટણી લડીને હાર્યા હતા.આ પછી થોડો સમય આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છેવટે કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. અનેક મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર ઇન્દ્રનીલ રાજગુરુએ હવે સન્યાસ લેવાની જાહેરાત કરીને ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
નિવૃતિ અંગે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી
ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાની રાજકીય નિવૃતિ અંગે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હવે તેઓ સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે નહીં. જોકે જરૂર પડશે ત્યારે તેઓ કોંગ્રેસ પક્ષને માનસિક કે આર્થિક મદદ કરવા તૈયાર રહેશે.
રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા તરીકે ઓળખાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા રચાયેલી 7 અલગ-અલગ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું, જેને કારણે આ નિર્ણયને લઈ રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ છે.
રાજકોટ મહાપાલિકાની ચુંટણી
રાજકોટ મહાપાલિકાના શાસકોની ચાલુ ટર્મ પૂર્ણ થવા આડે હવે પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે 11 માર્ચે સાંજે છ વાગ્યાથી વહીવટદારનું શાસન લાગુ પડી જશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકે પોતાની ઓફિસ ખાલી કરવી પડશે સાથે સાથે કાર પણ જમા કરાવી દેવાની રહેશે સાથે સાથે તમામ સમિતિના ચેરમેને પણ ઓફિસ છોડવી પડશે. આ સાથે જ મહાપાલિકા દ્વારા આવનારી ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 2026ની આ ચૂંટણી 5 કરોડથી વધુના ખર્ચે યોજાશે ત્યારે ખાસ વાત એ છે કે આ વખતે નવા 1 લાખ મતદાર તેમજ 300 નવા બૂથનો ઉમેરો કરવામાં આવશે.
આ અંગે અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 25 માર્ચે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ 26 અથવા 27 માર્ચે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાપાલિકાની ચૂંટણીઓની તારીખોનું એલાન કરી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ચૂંટણી જાહેર થયા બાદ તાત્કાલિક આચરસંહિતા લાગુ પડી જશે જે 1 મહિનો અમલી રહ્યા બાદ 27 એપ્રિલ આસપાસ મતદાન થઈ શકે છે.
આ સઘળી શક્યતાઓને ધ્યાનમાં રાખી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. 2021માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં 800 મથક ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. જો કે શહેરની વસતીમાં વધારો થયો હોવાથી મતદારો પણ વધી ગયા છે ત્યારે આ ચૂંટણીમાં મતદાન મથકની સંખ્યામાં 300નો વધારો થઈ 1100 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ગત ચૂંટણીમાં 10 લાખ જેટલા મતદારો નોંધાયા હતા જેની સામે આ વખતે મતદારોની સંખ્યા 12થી 13 લાખે પહોંચી શકે છે.
એસ.આઈ.આર.ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કલેક્ટર તંત્ર દ્વારા વિધાનસભાવાઈઝ મતદારોની સંખ્યા જાહેર કરી હતી પરંતુ મહાપાલિકા હવે વોર્ડવાઈઝ યાદી તૈયાર કરશે સાથે સાથે અમુક વોર્ડ જેમાં 1, 2, 3, 18 સહિતના બાઉન્ડ્રી લાઈન પર આવેલા હોવાથી ત્યાંના મતદારોમાં કોઈ બહારનું અંદર ઘૂસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વળી, એક મતદાન બૂથમાં વધુમાં વધુ 1200 મતદારોનો જ સમાવેશ કરવો તેવો નિયમ હોવાથી મતદારોની વધી ગયેલી સંખ્યાને ધ્યાનમાં રાખી બૂથમાં 300 જેટલો વધારો થઈ જશે. ચૂંટણી માટે 4 રિટર્નિંગ ઓફિસર ઉપરાંત આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવશે જે ચૂંટણીમાં થનારા ખર્ચ ઉપર બાજનજર રાખશે. આ ચૂંટણી મહાપાલિકાએ પોતાના ખર્ચે કરવાની હોવાથી સરકાર દ્વારા કોઈ જ ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. મતદાન મથકો ઉપર ટેબલ, પેન્સીલ, રબ્બર, અન્ય પ્રકારની તમામ સ્ટેશનરી સહિતની વ્યવસ્થા ઉપરાંત મતદાન કાપલી સહિતનું પ્રિન્ટીંગ મહાપાલિકા પોતાના ખર્ચે જ કરાવશે.
આ પણ વાંચો :અછતની અફવા : પેટ્રોલ-ડીઝલની ગભરાટભરી ખરીદી બાદ ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરવી પડી, પેટ્રોલ પંપ ઉપર ભીડ ન કરવા લોકોને અપીલ
મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું, આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની: તમામ અધિકારીઓ હાજર રહે
તાજેતરમાં જ Election Commission of Gujarat ના મુખ્ય ચૂંટણી કમિશનર S. Murali Krishna દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનરો તેમજ કલેક્ટરો સાથે ચૂંટણી અંતર્ગત વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અમુક કમિશનર તેમજ કલેક્ટર ગેરહાજર હોવાથી તેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જણાવ્યું હતું કે આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની હોવાથી આવનારી બેઠકમાં તમામ અધિકારીઓએ હાજર રહેવું જ પડશે. આ ઉપરાંત કોઈ અધિકારી ગાંધીનગર આવ્યા હોય આ બેઠકમાં હાજર ન રહી શકે તેમ હોય તો તેમણે રૂબરૂ મુલાકાત કરવાની રહેશે સાથે સાથે કોઈ અન્ય કારણસર ગેરહાજર હોય તો જાણ કરવાની રહેશે.
મતદાન મથક ઉભા કરવા સ્કૂલ સહિતની શોધ’ શરૂ
પાણી સહિતની વ્યવસ્થા હોવી જરૂરી મતદાન મથકની સંખ્યામાં 300 જેવો માતબર વધારો થવાનો હોવાથી મહાપાલિકા દ્વારા આ દિશામાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સ્કૂલ્સમાં મથક ઉભું કરવા પર ભાર અપાઈ રહ્યો છે પરંતુ જ્યાં મતદાન મથક ઉભું કરાય ત્યાં પાણી સહિતની વ્યવસ્થા હોવી જરૂરી હોવાથી આ પ્રકારની સ્કૂલની શોધ’ હાલ ચાલી રહી છે.
