હાય…હાય… રાજકોટની તિરંગા યાત્રામાં લાગેલા બેનરમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનનો ફોટો લગાવી દેવાયો!
રાજકોટ મહાપાલિકાએ અત્યંત શરમજનક કહી શકાય તેવી હરકત તિરંગા યાત્રામાં કરી હતી. તાજેતરમાં જ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડીને પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન રાફેલ સહિતના લડાકું વિમાનનો ઉપયોગ કરાયો હોવાનું સૌ કોઈ જાણે છે આમ છતા મહાપાલિકાના અક્કલમઠ્ઠા સ્ટાફ દ્વારા પાકિસ્તાનના ફાઈટર પ્લેનની મસમોટી તસવીર લગાવી દેતા ભારે વિવાદ પણ થયો હતો.

આ તસવીરમાં સૌથી ઉપર રાજકોટ મહાનગરપાલિકા લખેલું છે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર છે અને તેના નીચે ‘ઓપરેશન સિંદૂર નયે ભારત કી પહચાન’ તેવું લખેલું છે. જો કે જે ફાઈટર પ્લેનનો ફોટો મુકવામાં આવ્યો છે તે પાકિસ્તાનનું એફ-16 વિમાન હોવાનું સામે આવ્યું છે. આ એ જ ફાઈટર પ્લેન છે જેને ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન દ્વારા ભારતના મિગ-21 વિમાન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. મહાપાલિકાના સ્ટાફ દ્વારા દુશ્મન દેશના વિમાનની તસવીર જોયા-જાણ્યા-સમજ્યા વગર લગાવી દેવાતા વિવાદ થયો હતો જેના કારણે આ બોર્ડ મોડે મોડેથી દૂર પણ કરાયું હતું.

સ્વતંત્રતા પર્વ અંતર્ગત મહાપાલિકા દ્વારા 1.4 કિલોમીટરની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પદાધિકારી-અધિકારીના મોઢે ઉપસ્થિત લોકોની હાજરીના અલગ-અલગ આંકડા સાંભળવા મળ્યા હતા ત્યારે આ યાત્રામાં મોટેરા મતલબ કે યુવાન, આધેડ, પ્રૌઢ, વૃદ્ધ સહિતના લોકો ઓછા જોવા મળ્યા હતા અને વિદ્યાર્થીઓ, નેતાઓ તેમજ અધિકારીઓ વધુ જોવા મળ્યાનો ગણગણાટ યાત્રામાં સામેલ લોકોના મુખેથી જ સાંભળવા મળ્યો હતો. લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે આ યાત્રાની ‘લાજ’ વિદ્યાર્થીઓએ રાખી લીધી છે અન્યથા તેમાં નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ જ જોવા મળ્યા હોત! એકંદરે આ યાત્રા તિરંગા યાત્રાની સાથે જ વિદ્યાર્થી યાત્રા જેવી બની રહી હતી. આ ઉપરાંત અલગ-અલગ સ્કૂલ દ્વારા પોતાના વિદ્યાર્થીઓને એકઠા કરીને તિરંગા યાત્રા કાઢવામાં આવી હોય તેવું પણ લોકોને લાગી રહ્યું હતું !
આ પણ વાંચો : ખાટુશ્યામથી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 બાળક સહિત 11 લોકોના મોત
તિરંગા યાત્રામાં મોટેરા ઓછા, વિદ્યાર્થીઓ-નેતાઓ-અધિકારીઓ વધુ દેખાયા!
રાજકોટ મહાપાલિકા આયોજિત કાર્યક્રમ હોય એટલે તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ‘ફરજિયાત’ હાજર રાખવામાં આવતા જ હોય છે આમ છતા અમુક ચાલાક કર્મીઓએ આ યાત્રામાંથી પણ ગુટલી મારી લીધાની વાતો યાત્રામાં સામેલ કર્મીઓ પાસેથી સાંભળવા મળી હતી.

બીજી બાજુ આ યાત્રામાં પોલીસ કમિશનર, એસપી, ડીસીપી સહિતના અધિકારીઓ ઉપરાંત કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેમજ સુચારું ટ્રાફિક સંચાલન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી પોલીસની હાજરી પણ બહોળી સંખ્યામાં દેખાઈ હતી. વળી, આ યાત્રામાં ધારાસભ્યથી લઈ વોર્ડના કાર્યકર સુધીના ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે ભાજપના 66 માંથી 34 કોર્પોરેટર જ હાજર જોવા મળ્યા હતા જેની સામે કોંગ્રેસના ચારમાંથી એક પણ કોર્પોરેટર ડોકાયા ન્હોતા. જે નેતાઓ આ યાત્રામાં સામેલ થયા હતા તેમણે પણ અડધે રસ્તેથી ‘કટ’ મારી લેતા યાત્રામાં હાજર અન્ય
લોકો ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. એકંદરે 8:30 વાગ્યે આ યાત્રા નીકળનાર હોવાથી અનેકના ચહેરા પર ઉંઘ પણ દેખાઈ હતી.
