ગુજરાતમાં યુવાનો હાર્ટ એટેક આવતાં મોતને ભેટી રહ્યાંની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે બાળકોને પણ હાર્ટ એટેકનું એટલું જ જોખમ હોય તેવું દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ક્લાસમાં અચાનક ઢળી પડી હતી. ત્યારે જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક વિદ્યાર્થી મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.
આજે સવારે અચાનક હૃદય રોગનો હુમલો આવતાં મોત નિપજ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરની કામદાર કોલોનીમાં રહેતા વેપારી સચીનભાઈ ગંઢેચાના 13 વર્ષના પુત્ર ઓમનું મુંબઈમાં હાર્ટ એટેકનો હુમલો આવતાં મોત નિપજ્યું છે. ઓમ મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેને આજે સવારે અચાનક હૃદય રોગનો હુમલો થયો હતો. આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે અને બપોર બાદ તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે. પુત્રના મોતના સમાચારથી પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.