અન્ડર-૧૪ વન-ડે મેચમાં યશરાજસિંહ ઝાલાએ સદી બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ પણ ખેડવી
મોરબીના ૯ વર્ષીય યશરાજસિંહ ઝાલાએ અન્ડર-૧૪ કેટેગરીની વન-ડે ટૂર્નામેન્ટની એક મેચમાં જબદરસ્ત પરફોર્મન્સ કરીને સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. યશરાજે બેટિંગમાં ૮૧ બોલમાં ૧૫ ચોગ્ગાની મદદથી ૧૧૧ રન બનાવ્યા હતા તો બોલિંગમાં ૭ ઓવરમાં ૧૨ રન આપી ત્રણ વિકેટ ખેડવી હતી. તેના ઑલરાઉન્ડર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ અપાયો હતો.
ગ્રીન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ ટૂર્નામેન્ટમાં યશરાજે પોતાનીથી મોટી ઉંમરના ખેલાડીઓને રીતસરના હંફાવ્યા હતા. ખાસ કરીને બેટિંગમાં તેની વિકેટ મેળવવા માટે બોલરોના પગે પાણી ઉતરી ગયા હતા તો બોલિંગમાં તેના વેધક બોલનો સામનો કરવામાં બેટરોને ખાસ્સી મુશ્કેલી વેઠવી હતી. આ રીતે યશરાજે પોતાની ટીમને જીતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. યશરાજસિંહ અરવિંદસિંહ ઝાલા મોરબીમાં ધ રોઅર ક્રિકેટ ક્બલમાં ટે્રનિંગ મેળવી રહ્યો છે. તેને ક્રિકેટ કોચ મનદીપ અને અલી તૈયાર કરી રહ્યા છે.