ગરીબો કેમ જીવે! : ૮૦% સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં-ચોખા કે દાળ નથી
એપ્રિલ મહિનો પૂર્ણ થવામાં છે તેમ છતાં હજુ સુધી રાજ્યની ૮૦ ટકા સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં-ચોખા કે દાળ સહિતની જણસોનો જથ્થો પહોંચાડવામાં ન આવતા ગરીબો સરકારની યોજનાથી વંચિત રહ્યાનો આરોપ લગાવી ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોશિએશને રાજ્યના પુરવઠા પ્રધાનને પત્ર પાઠવી પુરવઠા નિગમ છેલ્લા ચાર વર્ષથી તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી નિભાવમાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ લોકસભા ચૂંટણી બાદ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા લડત શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસીએશને પુરવઠા મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, પુરવઠા નિગમે દુકાનદારોને મળતા જથ્થાની સાયકલ ૪૫ દિવસની કરવામાં આવી છે આ ૪૫ દિવસની સાયકલ હોવા છતાં પુરવઠા નિગમ ચાલુ મહિનાની ૨૫ તારીખ સુધી ઘઉં ચોખાનો જથ્થો પણ પહોંચાડી શકતી નથી. પુરવઠા નિગમ દ્વારા હજુ ઘઉં અને ચોખા ૮૦ ટકા જથ્થો જ પહોંચી શકયો છે જ્યારે અધર જણસીમા દાળ ૫૦ ટકા ચણા પણ ૫૦ ટકા જેટલો જથ્થો ઇસ્યુ થયો છે. અન્ન સુરક્ષા કાયદા અનુસાર દર પેહલી તારીખે દુકાન ઉપર ઘઉં ચોખા પહોંચાડવાની કાયદાકીય જવાબદારી આ પુરવઠા નિગમની છે અને આ જવાબદારી પૂર્ણ કરવા માટે થઈને જ પુરવઠા નિગમ દ્વારા સરકાર દ્વારા ૪૫ દિવસની સાયકલ અમલમાં લાવી અને ઘઉં ચોખાનો જથ્થો ગુજરાતની તમામ દુકાનો ઉપર ચાલુ માસની સાત તારીખમાં પહોંચી જાય એ માટે કડક સૂચના આપેલ છે છતા પણ અન્ન સુરક્ષા કાયદો અને સરકારની કડક સુચનાને પુરવઠા નિગમ ધોળીને પી ગયું છે.
વધુમાં સરકારની અન્ય કલ્યાણકારી યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતા ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ પણ નિયમિત રીતે દુકાનો સુધી પહોંચતુ નથી નિગમ દ્વારા અનિયમિત રીતે પહોચાડવામા આવે છે ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં નિગમ દ્વારા તુવેર દાળ અને ચણાનો જથ્થો ખૂબ જ અનિયમિત રીતે માસના અંતમાં આપવામાં આવે છે.
આ રજુઆતો છતાં આનો ઉકેલ ન આવતા વેપારીઓ દ્વારા લોકસભા ચૂંટણી બાદ તરત જ પુરવઠા નિગમ સામે આશ્ચર્યજનક કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં આપશે જેના પરિણામે લોકોમાં સરકારની છબી ખરડાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
છેલ્લા ચાર પાંચ વર્ષથી પુરવઠા નિગમ સરકારની કલ્યાણકારી યોજનાઓનો જથ્થો સમયસર તહેવારો કે લોકસભા જેવી ચૂંટણીમાં પણ ન આપીને કે ઓછો આપીને લોકોમાં સરકાર પ્રત્યે અણગમો ઉત્પન્ન કરવાનું કામ સુપેરે કરી રહ્યું છે અને પુરવઠા નિગમની મનમાનીનો ભોગ લોકોની સાથે દુકાનદારો પણ બની રહ્યા હોવાનું ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસીએશન પ્રમુખ રાજેન્દ્રસિહ જાડેજા, મહામંત્રી હિતુભા જાડેજા અને વાડીલાલભાઇ પટેલે અંતમાં જણાવ્યું હતું.