‘વિકાસ’ પર નજર રાખવા 7.67 કરોડ ખર્ચવા જ પડે તેમ છે : રાજકોટ મ્યુ.કમિશનર ફરી કરશે દરખાસ્ત
રાજકોટ મહાપાલિકામાં આગામી સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક દરખાસ્તને લઈને વિવાદ થવાની શક્યતા રહેલી છે. શહેરમાં અલગ-અલગ સ્થળે ચાલી રહેલા રોડ-રસ્તા ઉપરાંત બ્રિજ સહિતના નાના-મોટા કામ સમયસર પૂર્ણ થાય તેમજ સારી ગુણવત્તાનું મટિરિયલ વપરાય તે સહિતના ઉપર નજર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ)ની રચના કરી તેમાં ભરતી કરનારા સ્ટાફ પાછળ 7.67 કરોડનો ખર્ચ કરવાના અંદાજ સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવતા કલમના એક ઝાટકે આ દરખાસ્ત નામંજૂર કરી દેવામાં આવી હતી.
બીજી બાજુ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સ્ટાફને જ્યાં બેસીને કાર્ય કરવાનું છે તે સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલી ઓફિસમાં ફર્નિચર સહિતનું કામ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે ત્યારે આવનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ યુનિટ પાછળ આટલો ખર્ચ કરવો પડે તેમ જ હોવા સહિતના કારણો સાથેની દરખાસ્ત ફરીથી મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડ કેસમાં ‘મનુષ્ય વધ’ની કલમ રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર : સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની અરજી ફગાવી
હવે કરવામાં આવનારી દરખાસ્તમાં એવા કારણો રજૂ કરવામાં આવશે કે મહાપાલિકા પાસે હાલ કાયમી ઈજનેર ઉપલબ્ધ નથી અને જે છે તે ઈન્ચાર્જ છે અને અન્ય જવાબદારીઓ પણ સંભાળી રહ્યા છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ કમિશનર સહિતના અધિકારીઓની ખોટ હોવાથી ચાલી રહેલા કામ ઉપર નજર રાખવા માટે અલાયદા સ્ટાફની તાતી જરૂરિયાત છે.
હવે આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે તો પ્રજાની કેડે 7.67 કરોડ રૂપિયાનું ભારણ આવશે કેમ કે આ યુનિટમાં 9 જગ્યા માટે સ્ટાફની બે વર્ષની ભરતી કરવામાં આવશે જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર હેડને બે વર્ષ સુધી દર મહિને 3.48 લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત યુનિટમાં સામેલ અન્ય સ્ટાફને પણ લાખેણો પગાર ચૂકવવાનું દરખાસ્તમાં સુચવાયું હોવાથી શાસકોના નિર્ણય ઉપર સૌની નજર ટકેલી રહેશે. જો આ વખતે દરખાસ્ત નામંજૂર થઈ તો પછી આ પ્રોજેક્ટનું બાળમરણ થઈ જશે તે પણ નિશ્ચિત છે.
