રાજ્યમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાના દાયરામાં : ખોટા NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ ફ્ટકારવાની જવાબદારી પરવાનેદારોને સોંપતા ભારે વિરોધ
રાજ્યમાં 55 લાખ જેટલા રેશનકાર્ડ ધારકો ઇન્કમટેક્સ, જીએસટી ભરવાની સાથે કિશાન સન્માન નિધિની લાભ લેતા હોવા છતાં પણ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફત અનાજનો લાભ લઈ રહ્યા હોવાથી આવા રેશનકાર્ડ રદ કરવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે રાજકોટ સહિત અનેક જિલ્લામાં સરકારી યોજનાનો ખોટો લાભ લેતા રેશનકાર્ડ ધારકોને નોટિસ આપવાની જવાબદારી સસ્તા અનાજના દુકાનદારોના શિરે નાખતા દુકાનદારો સમસમી ઉઠ્યા છે અને આવી કામગીરી નહીં કરવા રજુઆત કરી છે.
ભારત સરકાર દ્વારા હાલમાં દેશભરમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં-ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં અનેક પરિવારો પાત્રતા ધરાવતા ન હોવા છતાં યેનકેન પ્રકારે NFSA રેશનકાર્ડ મેળવી લઈ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ લઈ રહ્યા હોવાથી ભારત સરકારે ગુજરાત સરકારને આધારકાર્ડના ડેટા મારફતે આવા 55 લાખ રેશનકાર્ડ ઓળખી કાઢી આવા રેશનકાર્ડ ધારકોની તપાસ કરી નોટિસ ફટકારી એનએફએસએ કાર્ડ રદ કરવા હુકમ કર્યો છે.
બીજી તરફ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે યાદી તૈયાર કરી તમામ જિલ્લામાં જિલ્લા પુરવઠા વિભાગને જવાબદારી સોંપી આવા પાત્રતા ન ધરાવતા કુટુંબોના નામ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાંથી બાકાત કરવા આદેશ કર્યો છે.દરમિયાન રાજકોટ જિલ્લામાં પણ આવા 1 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો હોય રાજકોટ સહિત અનેક જિલ્લામાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તમામ સસ્તા અનાજના વિક્રેતાઓને વોટ્સએપ મારફતે સૂચના આપી લગત દુકાનદારને નોટિસ લઈ જઈ દુકાને એક રજીસ્ટર રાખી નોટિસની બજવણી કરી જે તે રેશનકાર્ડની શી લેવા આદેશ કરતા સસ્તા અનાજના વિક્રેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ મામલે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગની કોઈપણ કામગીરી કરવાનો વ્યાજબીભાવના દુકાનદાર ક્યારેય ઇન્કાર કરતા નથી પરંતુ એનએફએસએ કાર્ડની ક્રોસ તપાસની નોટિસ બજવણીની કાર્યવાહી અમને સોંપવામાં આવે તો દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સીધું જ ઘર્ષણ થાય તેમ હોવાનું અને એનએફએસએ કાર્ડ દુકાનદારે રદ્દ કરાવ્યાનું શંકા રાખી અણબનાવ બને તેવી દહેશત છે. સાથે જ રેશનકાર્ડ ઈશ્યુ કરવાની કાર્યવાહી તલાટી મારફતે સ્થળ તપાસ બાદ થતી હોય પુરવઠા વિભાગ આવી પળોજણ વાળી અને ગ્રાહકો સાથે ઘર્ષણ થાય તેવી કામગીરી અમને ન સોંપે તેવી રજુઆત કરવામાં આવી છે.
