51 લાખ આપી દયો !! ન્યૂઝ મીડિયામાં ફોટા નહિ આવે… ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં તોડબાજ PI અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના ટંકારા તાલુકાના બહુચર્ચિત જુગારધામ કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તોડબાજ પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ટંકારામાં કમફર્ટ રિસોર્ટમાં જુગારની રેડ પાડીને 51 લાખનો તોડ કરનાર તત્કાલીન પીઆઈ વાય કે.ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો તેમજ ૫૧ લાખનો તોડ કર્યાનો ગુનો નોંધાયો છે. SMC દ્વારા ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટંકારામાં કમફર્ટ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું જેમાં ૬૩.૧૫ લાખના મુદ્દામાલ સાથે નવ આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આજે પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી છે.

ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રક૨ણમાં એસએમસીએ તપાસમાં ઝુકાવી પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે વ્યક્તિ દીઠ છ – છ લાખ કટકટાવી 51 લાખનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યા પીઆઈ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ લાંચ રુસવત લેવા સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવતા ખળભળાટ મચી ગયો છે.
26 ઓક્ટોબરના રોજ જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 26 ઓક્ટોબરના રોજ મોરબી રાજકોટ હાઈ વે ઉપર કમ્ફર્ટ રીસોર્ટના રૂમ નં.૧૦પ માં દરોડો પાડી ટંકારા પીઆઇ વાય કે. ગોહિલ અને તેમની ટીમે જુગારના હાઈ પ્રોફાઈલ કેસમાં આરોપી (૧) નિરવભાઈ અશોકભાઇ ફળદુ, (૨) નિતેષભાઈ ઉર્ફે નિતીન ભાઈ નારણભાઈ ઝાલરીયા, (૩) ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ, (૪) વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, (૫) રઘુવિરસિંહ દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા, (૬) કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ (૭) નીલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર (૮) ગોપાલ રણછોડભાઈ સભાડ તથા (૯) ચિરાગ રસીકભાઈ ધામેચા વિરુદ્ધ ટોકન ઉપર જુગાર રમવા મામલે કેસ કરી 12 લાખની રોકડ તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.