દર મહિને 50,000 હપ્તો…રાજકોટમાં પત્રકાર બાદ હવે ‘તોડ’ કરવા જતાં તંત્રી પકડાયો!
આખા ગુજરાતમાં બોગસ, તોડબાજ, લહીયા પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે હવે તંત્રી પણ તોડપાણીમાં પોતાના હાથ કાળા કરવા લાગતા ચોથી જાગીરને દિવસેને દિવસે બટ્ટો લાગી રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં બન્યો છે જેમાં એક અખબારના તંત્રીએ નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીને દબડાવી 50,000 રૂપિયા દર મહિને હપ્તો માંગતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તંત્રીને દબોચી તેને જ ‘સમાચારો’માં ચમકાવી દીધો હતો !
આ અંગે કાશી વિશ્વનાથ પ્લોટ પાસે જજીસ બંગ્લોઝની સામે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગમાં ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતાં ઈમ્તિયાઝ મુસ્તકીમ ખાન (ઉ.વ.39)એ કેનાલ રોડ પર કરણપરા-27માં ઈવનિંગ પોસ્ટ નામે પ્રિન્ટ અને ડિજીટલ મીડિયાનું સંચાલન કરતા રાજેશ વ્રજલાલભાઈ હિંગોળ સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે ગત તા.15 માર્ચે રાજેશે તેમની પાસે આવીને કહ્યું હતું કે હું તમારી વિભાગીય કચેરીના વહીવટ બાબતે આવ્યો છું. તમારી પેટા વિભાગીય કચેરીના 10,000 પેટે કુલ 50,000 રૂપિયાની રકમ મારે હપ્તા તરીકે જોઈએ છે.

જો કે આ રકમ આપવાનો ઈનકાર કરતા રાજેશે કહ્યું હતું કે આ ખુરશી ઉપર જે પણ અધિકારી આવ્યા છે તેમણે મને અત્યાર સુધી હપ્તો આપ્યો જ છે એટલા માટે તમારે પણ આપવો જ પડશે. એકંદરે માર્ચથી લઈ જૂલાઈ સુધી રાજેશે વારંવાર કચેરીએ જઈ ઈમ્તિયાઝ ખાન પાસે પૈસાની માંગણી કર્યે રાખી હતી પરંતુ તેને પૈસા આપવાનો ઈનકાર કરાતા જ આરટીઆઈ કરીને અધિકારીને રસ્તે રઝળતાં કરી દેવાની ધમકી આપતાં આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચે રાજેશ હિંગોળની તેના ઘરેથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : અમેરિકન કોર્ટ તરફથી ટ્રમ્પને મોટો ઝટકો : મોટાભાગના ટેરીફને ગેરકાયદે ગણાવ્યા, ટ્રમ્પે કહ્યું-અમેરિકાનો વિનાશ…
કચેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો જ હોવો જોઈએ તો જ ‘તોડ’ કરવાની હિંમત થઈ હશે !
ક્રાઈમ બ્રાન્ચે હપ્તો માંગ્યાનો ગુનો નોંધાતા જ રાજેશ હિંગોળની ધરપકડ તો કરી લીધી હતી પરંતુ એક વાત એવી પણ ચાલી રહી છે કે આર એન્ડ બી તેમજ નેશનલ હાઈ-વે ઓથોરિટી વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો જ હોવો જોઈએ તો જ આ પ્રકારે બેખૌફ થઈને હપ્તો માંગવાની હિંમત થઈ શકે. રાજેશ દ્વારા એવું પણ જણાવાયું હતું કે અગાઉના અધિકારીઓ તેને પૈસા આપતા જ હતા એટલા માટે તે પૈસા લેવા માટે આવ્યો છે ત્યારે જો આ વાત સત્ય હોય તો કચેરીમાં પણ તપાસ થવી જરૂરી બની જાય છે.
