કંડલાની ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકોના મોત
ગાંધીધામ કંડલા રોડ પર આવેલી ઈમામી એગ્રો ટેક કંપનીમાં સફાઈ કામગીરી સાથે સંકળાયેલા પાંચ કામદારોના ટાંકીમાં પડી જવાથી મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં સુપરવાઈઝર સહીત પાંચ કામદારો ગૂંગળાઈ જવાથી મોતને ભેટ્યા હતા. આ ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેકટર દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
ઈમામી કંપનીમાં પ્લાન્ટની શટ-ડાઉન કામગીરી દરમિયાન આ ઘટના બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કામદારો વેસ્ટ પ્રવાહીના ટાંકાની સફાઈ કરવા ગયા હતા. આ દરમિયાન ગૂંગળાઈ ગયા હતા. આ પાંચેયના મૃતદેહોને રામબાગ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.
જે પાંચ મૃતકો છે તેમાં એક પાટણ જિલ્લાનો વતની હતો જયારે અન્ય ચાર પરપ્રાંતીય હતા. જેમના નામ સંજય ઠાકુર, આશિષકુમાર, આશિષ ગુપ્તા, સિદ્ધાર્થ તિવારી અને અજમત ખાન બતાવાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કામદારો કંપનીનાં એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ કરી રહ્યા હતા અને એક કર્મચારી ટાંકીમાં પ્રવેશ્યો ત્યારે તે બેભાન થઇ ગયો હતો અને તેને બચાવવા માટે બીજા બે કામદારો અંદર ગયા હતા પરંત તેઓ પણ બેભાન બની ગયા હતા.