જૂનાગઢમાં 1.20 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે 4 ઝડપાયાઃ રાજકોટની મહિલાની શોધ, સુત્રધાર શખસ પકડાયા બાદ મોટું રેકેટ બહાર આવવાની સંભાવના
જૂનાગઢ ઈવનગરમાંથી નીકળેલી જી.જે.11-ડી.બી.0080 નંબરની કારમાં 3.160 કિલો ગ્રામ હાઈબ્રીડ ગાંજાના ત્રણ પેકેટ કે જેની કિંમત એક કરોડ દસ લાખ સાંઇઠ હજાર થાય કિંમતી ગાંજા સાથે જૂનાગઢના જોશીપુરા હર્ષદનગર મદિના મસ્જિદ પાસે રહેતા મુજાહીદખાન રીયાઝખાન યુસુફભાઈ (ઉ.વ.24 ), ખામધ્રોળ રોડ પર મારૂતિનગર હુશેનીચોકમાં રહેતા હુશેન નાસીરભાઈ તર્ક (ઉ.વ.29), સક્કરબાગ નજીક રામદેવપરા શંકર બાપા મંદિર પાસે રહેતા જહાંગીરશા રજાકશા શાહમદાર (ઉ.વ.32) તથા વિસાવદરમાં ભારમલ સ્કૂલ પાસે વોરા સોસાયટીમાં રહેતા ધવલ કાળુભાઈ ભરાડ (ઉ.વ.28)ની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે.
હાઈબ્રીડ ગાંજાનો જથ્થો રાજકોટની મહિલા શેરબાનુ મહંમદરફીક નાગાણી નામની પેડલર જૂનાગઢ આપવા આવી હતી. શેરબાનુને વડોદરાના શખસે જથ્થો લેવા મોકલી હોવાનું ખૂલતા રાજકોટની શેરબાનુ, વડોદરાના શખસ તેમજ જૂનાગઢના મોઈન સતાર ખંધાની જૂનાગઢ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ચારેય શખસોને વિદેશી ગાંજાના રેકેટમાં અન્ય કોની કોની સંડોવણી, અગાઉ ક્યારેય જથ્થો લાવ્યા હતા કે કેમ ? જથ્થો કોને આપવાનો હતો સહિતના મુદ્દે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. બરોડાનો શખસ, મહિલા હાથમાં આવ્યે મોટું રેકેટ ખૂલવાની પોલીસે સંભાવના સેવી છે.
મેંદરડાથી ઈવનગર રોડ થઈને જૂનાગઢ તરફ હાઈબ્રીડ ગાંજા સાથે કાર આવી રહી હોવાની એસઓજીની ટીમને માહિતી મળી હતી જે આધારે વોચ ગોઠવાઈ હતી. માહિતી મુજબની કાર નીકળતા અટકાવાઈ હતી. કારની પાછળની સીટમાં પડેલો બ્રાઉન કલરનો થેલો પોલીસે ચેક કરતાં અંદરથી 3.160 ગ્રામ હાઈબ્રીડ જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને કારમાં રહેલા ચારેય શખસો ધવલ, મુજાહીદ ખાન, હુશેન તથા જ્હાંગીરશાની એસઓજીની ટીમે ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછતાછમાં એવું ખૂલ્યું હતું કે, રાજકોટની શેરબાનુ નાગાણી જૂનાગઢ જથ્થો દેવા આવી હતી. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે ભવ્ય પેલેસ નામની હોટલમાં ઉતરી હતી ત્યાંથી ત્રણ પેકેટ લઈને ગ્રાહકને વેચવાની ફિરાકમાં હતા.
રેન્જ આઈ.જી. નિલેષ જાજડિયા, એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ કે.એમ. પટેલ, એસઓજી પીઆઈ જે.જે. પટેલ, આર.બી. ગઢવી, પીએસઆઈ ડી.કે. ઝાલા સહિતની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. શેરબાનુને શોધવા ટીમે રાજકોટ તેમજ બરોડા તરફ પણ ઘોડા દોડાવ્યા છે.
એક પેકેટ શેરબાનુએ પોતે રાખ્યું, રાજકોટ આવીને મુકી ગયા
શેરબાનુ બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાના ચાર પેકેટ લાવી હતી જેમાં ત્રણ જૂનાગઢમાં આપ્યા હતા. એક પેકેટ પોતાની પાસે રાખ્યું હતું. બે દિવસ બાદ તા.30ના રોજ મુજાહીદ્દીન ખાન, જહાંગીર અને હુશેન ત્રણેય શખસો શેરબાનુને રાજકોટમાં ગોંડલ રોડ ચોકડીએ ઉતારી ગયા હતા. એક પેકેટ શેરબાનું પાસે હોવાથી તે રાજકોટમાં કોઈને સપ્લાય થયું કે અન્ય કોઈને કે પછી શેરબાનુ પાસે જ હશે ? તે બાબતે શેરબાનુ પકડાયે જ ખૂલશે. ટ્રીમની સવલત બરોડાના શખસે કરી હોવાથી નેટવર્ક મોટું ખૂલવાની સંભાવના છે.
અમદાવાદ એરપોર્ટ પરથી રાજકોટની મહિલાને ત્રિપુટી જૂનાગઢ લઇ આવી હતી
રાજકોટની શેરબાનુને બેંગકોક, થાઈલેન્ડમાંથી હાઈબ્રીડ ગાંજો લેવા માટે વડોદરાના શખસે મોકલી હતી. શેરબાનુ છ દિવસ પૂર્વે ગત મહિને તા.૨૭ના રોજ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. શેરબાનુને ધવલની ગ્લાન્ઝા કારમાં અમદાવાદ એરપોર્ટ પરથી મુજાહીદ ખાન, ધવલ અને મોઈન ખંધા જૂનાગઢ લઈ આવ્યા હતા. હોટલમાં રાખી હતી. શેરબાનુ સાથે ટ્રોલી બેગ હતી. બીજા દિવસે તા.28ના રોજ જ્હાંગીરશા અને હુશેન ઉર્ફે દરબાર નાસીર તુર્ક બન્ને બેંગકોકથી જૂનાગઢ આવ્યા હતા અને ત્રણ પેકેટ શેરબાનુએ કાઢી આપ્યા હતા.
