સૌરાષ્ટ્ર 7 સહિત રાજ્યનાં 30 શિક્ષકોને ‘બેસ્ટ ટીચર’નો એવોર્ડ મળશે : પ્રાથમિકના 15 અને માધ્યમિકના 15 શિક્ષકોની પસંદગી
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષકોને બેસ્ટ ટીચરનો એવોર્ડ આપવામાં આવે છે,જેમાં આ વર્ષે સૌરાષ્ટ્રનાં 7 સહિત રાજ્યનાં 30 શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના યોગદાનને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા મળેલી ભલામણોના આધારે રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા આ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત થઈ છે. આ વર્ષે રાજ્યમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ 30 શિક્ષકોના સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ કરાયો છે.
સૌરાષ્ટ્રમાંથી પસંદ થયેલા શિક્ષકોમાં જયાબેન ગોહિલ,દેવાંગી બારૈયા,જીવતીબેન પીપળીયા, અનિલ વૈષ્નાની,મનિષ વિંઝુડા,દેવાયત કરંગીયા,પુનિત ઉપાધ્યાય અને ડોક્ટર કવિતા શાહની પસંદગી થઈ છે જેમને ટૂંક સમયમાં સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરાશે
