સુરતમાં હાર્ટ એટેકથી 3 લોકોનાં મોત
છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ વધ્યાં છે ત્યારે સુરતમાં એક જ દિવસમાં ત્રણ જેટલા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હાહાકાર મચી ગયો છે. અમરોલી, પાંડેસરા અને વરાછામાં ત્રણ લોકોએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યા છે.
હાલમાં સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેવામાં સુરત શહેરમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકથી થયાની આશંકા વ્યક્ત કરવાના આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા ત્રણ લોકોને નાની વયે જ હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. સુરતના અમરોલી વિસ્તારનો એક યુવાન તેમજ પાંડેસરાનો યુવાન અને વરાછાના યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ સાથે જ ત્રણેયમાં ડોક્ટરોએ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી છાપરાભાઠામાં રહેતો 23 વર્ષીય સાહિલ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે અને એક વર્ષ પહેલાં સાહિલના લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેમને સંતાનમાં એક બાળક છે. રાત્રે પરિવાર સાથે ઘરે હતો તે દરમિયાન અચાનક જ છાતીમાં દુઃખવાની ફરિયાદ સાથે બેભાન થઈ ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. સાહિલનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા ડોક્ટરે વ્યક્ત કરી હતી.
બીજા કેસમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા અને કલરકામ કરતા 38 વર્ષીય સંજય સહાનીને રાત્રે છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક મિત્રો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમાં ફરજ પર હાજર ડોક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી.
ત્રીજી ઘટનામાં સુરતના મોટા વરાછામાં રહેતા અને ઝીંગા તળાવના સુપરવાઈઝરનું કામ કરતા 45 વર્ષીય મહેશ ખોખર જ્યારે ઓલપાડના તેના ગામમાં તળાવ પર હતા. તે દરમિયાન નાકમાંથી લોહી નીકળ્યું હતું અને ત્યાં જ બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને પણ ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા. તેમનું મોત પણ હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા ડોક્ટરે વ્યક્ત કરી હતી.
આમ સતત વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે ત્રણ લોકોને હાર્ટ એટેક આવ્યાના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ત્રણેય લાશોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાં મોતનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.
ખેડામાં પણ યુવાનનું મોત
ખેડા જિલ્લામાં વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. કઠલાલના છીપડી ગામે રહેતા 23 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. અચાનક સવારે છાતીમાં દુખાવો થતા યુવકની તબિયત લથડી હતી અને તાત્કાલિસ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે.