અંજાર, આદિપુરમાં વ્યાજખોરી સહિતની ગુનાખોરી હારમાળા કરનાર અંજાર પંથકમાં લેડી ડૉન સિસ્ટર તરીકે પકડાયેલી કે આવી ઉપમા ધરાવતી બે બહેનો અને તેના ભાઈ સામે સંગઠિત ગુનાખોરી હેઠળ થયેલી કાર્યવાહી બાદ ગૃહ વિભાગના આદેશથી લાખોની કિંમતની વધુ ત્રણ પ્રોપર્ટી અંજાર પોલીસ દ્વારા જમીમાં હ લઈ સીલ મારવામાં આવતા ભોગ બનેલાઓમાં સરકારની, પોલીસની કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો છે.
અંજારના મંગલેશ્વર વિસ્તારમાં રહેતી રીયા ઈશ્વરગર ગોસ્વામી તેની બહેન આરતી તથા ભાઈ તેજશ સામે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, એસપી સાગર બાગમારની સૂચનાથી ડીવાયએસપી મુકેશ ચોધરી તથા પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે બે દિવસ પૂર્વે ત્રિપુટીની કાર અને બે પ્લોટ જપ્ત કર્યા હતા. ફરી આવી વધુ ત્રણ મિલકતો અંજારમાં વોર્ડ નં.12ના દેવનગરમાં પ્લોટ નં.48 તથા મેઘપર બોરીચીમાં મંગલેશ્વરનગરમાં પ્લોટ નં.૫૩ તથા અંજારમાં ગંગોત્રી-02માં પ્લોટ નં.132ના 26.65 લાખની કિંમતના (માર્કેટ વેલ્યુ મુજબનો લાખોના હશે.) ત્રણ પ્લોટ અને મકાન કબજે લેવાયા છે.
ત્રિપુટી દ્વારા વ્યાજખોરી, નાણાં ધીરધાર કરી કેટલીક સંપત્તિઓ લખાવી લીધી અથવા તો આવી આવકમાંથી વસાવી હોવાની યાદી પોલીસ દ્વારા તૈયાર કરાઈ હતી. નાણાકીય લાભ માટે સંગઠિત ગુનાખોરી આચરનાર ત્રણેય ભાઈ-બહેનો સામે વ્યાજખોરી, ધમકી, મારામારીના આરોપસરના ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. ત્રણેય વિરૂધ્ધ ગત વર્ષ ગુજસીટોક હેઠળ ગુનોનોંધાયો હતો અને ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા.આરોપી ત્રિપુટીની મિલકતોના સર્વે અને દસ્તાવેજી પુરાવાઓ સાથે ગૃહ વિભાગમાં આવી મિલકતોની યાદી અને જમીન માટેનો રિપોર્ટ કરાયો હતો.
ગૃહવિભાગને ટાંચમાં લીધેલી મિલકતો જપ્ત કરવા માટેની કરાયેલી દરખાસ્તના અભ્યાસ બાદ ગૃહ વિભાગ દ્વારા – મિલકતો જપ્તમાં લેવા કરેલા હુકમના આધારે ડીવાયએસપી ચૌધરી, પીઆઈ અજયસિંહ ગોહિલ અને ટીમે આજે વધુ ત્રણ પ્રોપર્ટી જપ્ત કરીને સીલ લગાવ્યા હતા. પ્રોપર્ટી જપ્તીની કાર્યવાહી સમયે સ્થાનિક લોકોએ એકત્રિત થઈ પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.