રાજકોટના જંગલેશ્વરમાં દબાણકાર મિલકતધારકોને માલિકી પુરાવા આપવા 3 દિવસની મહેતલ: જંત્રી વસુલી રેગ્યુલાઇઝ કરી આપવા માગણી
આજી રિવર ફ્રન્ટ માટેની સરકારી જમીન પર વર્ષોથી ઉભેલા 1300થી વધુ મકાનો, મિલકતોના દબાણકર્તાઓને નોટિસો અપાતા ભારે હો-હા મચી ગઈ છે. નોટિસો સાથે હવે દબાણકર્તાઓને સાંભળવા માટેની પણ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી આરંભાઈ છે.
પ્રથમ દિવસે જ 590 મિલકત ધારકોને તક અપાઈ હતી જેમાં નોટિસ ધારકો મિલકત સંબંધી પુરાવાઓ બાબતે માત્ર વેરા બીલ અને લાઈટ બીલ જ રજૂ કરી શક્યા હતા. દસ્તાવેજો કે આવા ઠોંસ પુરાવાઓ આપવા માટે ત્રણ દિવસની મહેતલ આપવામાં આવી છે.

પૂર્વના મામલતદાર નિલેશ અજમેરા અને ટીમ દ્વારા આજે દબાણકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. પુરાવાઓ રજૂ કરવા નોટિસમાં જણાવાયું હતું. જો કે, પુરાવાઓમાં મિલકત, જમીનની માલિકી દસ્તાવેજ હોય તેવા કોઈ પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા જેથી વધુ ત્રણ દિવસ દરમિયાનમાં આવા મિલકત સંબંધી પુરાવાઓ રજૂ કરવા તાકિદ કરાઈ હતી. આજે સવારથી પૂર્વ મામલતદાર કચેરીએ મેળાવડો જામ્યો હતો. રજૂઆતકર્તાઓમાં દેકારો હતો. એક તરફ કોંગે્રસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે કલેક્ટરને આવેદન અપાયું, સભા ગજાવાઈ હતી, દબાણો નહીં હટેનું આશ્વાસન નોટિસ ધારકોને અપાયું હતું. દબાણો સંદર્ભે તમામને નોટિસ ધારકોને તંત્ર દ્વારા સાંભળવામાં આવશે. જો મુદત સમયમાં કોઈ ઠોંસ પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ડિમોલિશન માટેની ફાઈનલ નોટિસ ઈસ્યુ કરવામાં આવશે.

દબાણકર્તાઓ દ્વારા જંત્રી મુજબ નાણાં વસુલીને મિલકત રેગ્યુલાઈઝ કરી આપવા આજે પણ વાત દોહરાવાઈ હતી. સાથે એવું પણ કહેતા હતા કે જો નિવેડો નહીં આવે તો વાઈબ્રન્ટ સમિટમાં રાજકોટ આવતા વડાપ્રધાનને રજૂઆત કરાશે.
