અનુપમ ખેરના ફોટાવાળી નકલી ચલણી નોટ આપી 1.5 કરોડનું સોનું ખરીદનાર 3 આરોપીની ધરપકડ : અમદાવાદ પોલીસ કરી કાર્યવાહી
અમદાવાદ પોલીસે બુધવારે એક બુલિયન વેપારીને છેતરપિંડી કરીને અભિનેતા અનુપમ ખેરની તસવીરવાળી નકલી ચલણી નોટો આપીને આશરે રૂ. 1.5 કરોડનું સોનું ખરીદવામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમના કબજામાંથી રૂ. 1.37 કરોડનું સોનું મળી આવ્યું છે. ધરપકડ કરાયેલા ત્રણની ઓળખ દીપક રાજપૂત અને તેના સાગરિતો નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતા તરીકે કરવામાં આવી છે, જેઓ તમામ અમદાવાદ શહેરના રહેવાસી છે.
આ આરોપીઓએ ગઈ તારીખ 24 સપ્ટેમ્બર 2024ના રોજ સીજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં વેશપલટો કરીને સરદારજી વેશ ધારણ કરીને ગ્રાહક બની પહોંચ્યા હતા. તેઓ 2 કિલો 100 ગ્રામ સોનું ખરીદવાનું કહીને આનંદ મંગલ કોમ્પ્લેક્સમાં આવેલ પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીના બોગસ પેઢીમાં ડિલિવરી કરવાનું જણાવ્યું હતું. જેથી મેહુલ બુલિયન વેપારીએ પોતાના કર્મચારીઓને રૂપિયા 1.60 કરોડના સોનાના બિસ્કીટ ડિલિવરી આપવા પહોંચ્યો હતો.
આ ગેંગ દ્વારા અનુપમ ખેરના ફોટાવાળી 500ના દરની કલર પ્રિન્ટ વાળી નકલી નોટોનાં બંડલ પધરાવી સોનાના બિસ્કીટ લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ત્રણ આરોપી દીપક રાજપુત, નરેન્દ્ર ઉર્ફે નંદુ જાદવ અને કલ્પેશ મહેતાની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.37 કરોડના 1800 ગ્રામ સોનું કબ્જે કર્યું છે. આ ઠગાઈ કેસનો મુખ્ય સૂત્રધાર દીપક રાજપૂત છે. તેની વિરુદ્ધ અગાઉ વાડજ, પાલડી, વડોદરા, છોટા ઉદેપુર અને રાજસ્થાનમાં આ પ્રકારના ગુના નોંધાઈ ચુક્યા છે.
ત્રણની ધરપકડ કરાઇ
ક્રાઈમ બ્રાંચે દીપક રાજપુત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાને ઝડપી લીધા હતા. 100 ગ્રામના 21 બિસ્કીટમાંથી 18 બિસ્કિટ, અનુપમ ખેરના ફોટા વાળી 300 નોટ અને 3 મોબાઈલ કબજે કર્યા હતા. જ્યારે આંગડિયા પેઢીના માલિકનો રોલ ભજવનાર ભૂપેશ સુરતી, સરદારજી બનનાર વિજેન્દ્ર ભટ્ટ, અરવિંદ ડામોલ અને પ્રભુ ફરાર છે.