રાજકોટના હરીપર પાળના જમીન કાંડમાં બલી ડાંગર સહિત 3 આરોપીઓએ કર્યું સરેન્ડર : જેલ હવાલે કરાયા, સુપ્રીમ કોર્ટે જામીન કર્યા રદ
રાજકોટના ભૂમાફિયાઓને ફરી જેલવાસ થયો છે. દાયકા પહેલા જમીન માલિક પર હુમલો કર્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા બલી ડાંગર ટોળકીએ સરેન્ડર કર્યું હતું. ત્યારે બલી ડાંગર સહિત અર્જુન જળુ અને રામદેવ ડાંગરને આજે જેલહવાલે કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટ નજીકના હરીપર પાળ ગામે આવેલી પુષ્પાપાર્કની ચર્ચાસ્પદ જમીન કૌભાંડ કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાથીદારોના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા બાદ ત્રણેય આરોપીઓએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટએ આરોપીઓને 24 ઓક્ટોબર સુધીમાં સ્વૈચ્છિક રીતે સરેન્ડર થવા આદેશ આપ્યો હતો. આ હુકમને અનુસરતાં બલદેવ ઉર્ફે બલી વીરભાનુ ડાંગર, અર્જુન જલુ અને રામદેવ ડાંગરે ગોંડલ કોર્ટમાં હાજરી આપી સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ ત્રણેયને ગોંડલ જેલમાં મોકલવામાં આવ્યા છે.
2014માં લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
આ કેસનો ઉદભવ વર્ષ 2014માં થયો હતો, જ્યારે રાજકોટના રહેવાસી હિમાંશુભાઈ જાનીએ લોધિકા પોલીસ સ્ટેશનમાં બલી ડાંગર અને તેની ટોળકી સહિત કુલ 22 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે, આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ખુલ્લા પ્લોટો પર ગેરકાયદે કબજો કર્યો, ત્યાં ફાર્મહાઉસ બનાવ્યાં અને પ્લોટ ધારકોને પ્રવેશતા રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
2022માં જામીન રદ કરવા અરજી
ફરિયાદી હિમાંશુભાઈ જાની દ્વારા 2022માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી કે આરોપીઓના જામીન રદ કરવામાં આવે.
એડવોકેટ વિજયરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ સતત કાયદાનો દુરુપયોગ કરી રહ્યા હતા અને જામીન પર મુક્ત થયા બાદ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો
ગુજરાત હાઇકોર્ટએ ચાર આરોપી — બલી ડાંગર, અર્જુન જલુ, રામદેવ ડાંગર અને મયુર પરમાર — ના જામીન રદ કરતા કહ્યું હતું કે, પોલીસ રિપોર્ટ મુજબ આ બધા હિસ્ટ્રીશીટર છે, ઓર્ગેનાઈઝ્ડ ગેંગ ચલાવે છે અને કોર્ટની પ્રક્રિયામાં સહયોગ આપતા નથી.
હાઇકોર્ટનો આ નિર્ણય આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો નિર્ણય યથાવત્ રાખ્યો અને આરોપીઓને 24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો.
ત્રણેય આરોપીઓને ગોંડલ જેલમાં હવાલે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બલી ડાંગર, રામદેવ ડાંગર અને અર્જુન જલુએ 24 ઓક્ટોબરે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું, જ્યારે ચોથો આરોપી મયુર પરમાર હજુ સુધી સરેન્ડર થયો નથી એવી માહિતી મળી છે.હાલમાં ત્રણેય આરોપીઓને ગોંડલ જેલમાં હવાલે કરવામાં આવ્યા છે અને કેસની વધુ કાર્યવાહી ચાલુ છે.
