રાજકોટ TRP કાંડમાં 28 જિંદગીઓ જીવતી ભૂંજાઈ અને તમામ આરોપીઓ દોઢ વર્ષમાં પીંજરામાંથી થયા આઝાદ !
આજે પણ એ ભયાવહ દૃશ્ય આંખો સામે તરે કે મગજમાં ભમે તો આગજનીમાં ભૂંજાયેલી 28 માનવ જિંદગીઓની ચીખો કે એ સમયની ભયાવહ સ્થિતિ લખલખુ પ્રસરાવી જાય કે આ દૃશ્યો જોનારાના આજે પણ શરીર કંપી ઉઠે, રૂવાડા ઉભા થઈ જાય છે એ રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને દોઢ વર્ષ પૂર્ણ થયું. દોઢ વર્ષના સમયગાળા દરમિયાન આ ગુનાના તમામ આરોપીઓ જામીન મુક્ત થતાં જેલના પીંજરામાંથી આઝાદ થયા છે.
રાજકોટ શહેરના નાનામવા રોડ નજીક સયાજી હોટલ પાછળના ભાગે આવેલા TRP ગેમઝોનની ગત વર્ષની તા. 25-5-2024ની એ ગોઝારી સાંજે ગેમઝોનમાં આગ ભભૂકી હતી. સેકન્ડોમાં આ આગ જવાળા બની હતી. લાવારૂપ બનેલા આગકાંડમાં અંદર ગેમ રમવા આવેલા બાળકો અને તેમના પરિવારજનો વાલીઓ, મોટેરા મળીને 27 માનવજીવ ભૂંકાઈને ભડથું થઈ ગયા હતા.
આ પણ વાંચો :મનાઈ છતાં રાજકોટમાં 71 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને OTPથી માલ વિતરણ : ગોંડલમાં અધધધ 13 હજારથી વધુ વ્યવહાર OTPથી થયા
એવી અરેરાટી કે હૃદયદ્રાવક, ઘાતક, કરૂણ, પાશણ કે નિર્દયના પણ હૈયુ હચમચાવી નાખે તેવી આવા લખાય તેવા શબ્દો ઓછા પડે તેવી દૂર્ઘટના હતી. TRP ગેમઝોન કાંડમાં ગેમઝોનના કર્મચારીઓ, જવાબદારો યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, ધવલ ભરતભાઈ ઠક્કર, ગેમઝોન જગ્યાના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, ગેમઝોનનો મુખ્ય સુત્રધાર કે આયોજક પ્રકાશચંદ કનૈયાલાલ જૈન હીરન, ઉપરાંત સરકારી તંત્રના અલગ-અલગ વિભાગોના અધિકારીઓ રાજકોટ મહાપાલિકાના ટીપીઓ મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, ઈજનેર ગૌતમ દેવશંકરભાઈ જોશી, જયદીપ બાલુભાઈ ચૌધરી, મુકેશ રામજીભાઈ મકવાણા, રાજેશ નરશીભાઈ મકવાણા, ફાયરબ્રિગેડના ચીફ ઈલેક્શકુમાર વાલાભાઈ ખેર, ભીખાભાઈ જીવાભાઈ ઠેબા, રોહિત આસલમભાઈ વિગોરા તેમજ મહેશ અમૃતલાલ રાઠોડની જે તે સમયે સરકાર પક્ષે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.બી. ગાજીયાએ નોંધાવેલી ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો :સદૈવ સર્વોત્તમઃ રવિવારે રાજકોટ જોશે ભારતીય વાયુસેનાનું ‘શૌર્ય’! ફાઈટર પ્લેનના એક-એકથી ચડિયાતા કરતબ જોવા મળશે
સમગ્ર ઘટનામાં એ વખતે સરકાર દ્વારા તાબડતોબરૂપે સીટની રચના કરાઈ હતી. રિપોર્ટ રજૂ થયા હતા. સ્થાનિક કક્ષાએ રાજકોટ શહેર પોલીસમાં પણ તપાસ માટે સીટ બનાવાઈ હતી. ધરપકડો કરાઈ હતી. જે તે સંબંધિતોના રિમાન્ડ મેળવાયા હતા અને જેલ હવાલે થયા હતા. જેલ બંધ રહેલા આરોપીઓ દ્વારા જામીન મુક્ત થવા કાનૂની પ્રક્રિયાઓ આરંભાઈ હતી. કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયું હતું. દોઢ વર્ષના સમયગાળા દરમિયાન એક પછી એક આરોપીઓને સમયાંતરે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજી સાથે કાયદાકિય લડત આરોપી પક્ષે દસ્તાવેજી પુરાવાઓ, દલીલો, રજૂઆતો સાથે આરોપીને જામીન મળ્યા છે. 15 આરોપીઓ પૈકી ફાયર વિભાગના સસ્પેન્ડેડ ઓફિસર ભીખાભાઈ ઠેબા અને ગેમઝોનના મેનેજર ધવલ ઠક્કર પણ જામીન મુક્ત થયા છે.
TRP અગ્નિકાંડના 16 આરોપીઓ પૈકી ગેમઝોનના મુખ્ય આરોપી સમા પ્રકાશચંદ હિરેનનું પણ જે તે સમયે આગમાં મૃત્યુ થયું હતું. હાલના તબક્કે તમામ 15 આરોપીઓ જામીન મુક્ત થયા છે. જામીનની મુકાયેલી શરતોનો ભંગ ન કરે કે કેસ ચાલે નિર્દોષ કે દોષિત આવો કોઈપણ પણ ચૂકાદો ન આવે ત્યાં સુધી હવે આરોપીઓ જેલમાંથી મુક્ત રહેશે.
