રાજકોટમાં 5 કલાકમાં 2 હત્યાની ઘટના : દારૂ પીધાં બાદ માથાકૂટ થતાં છરીનો ઘા ઝીકી યુવકની હત્યા, છરીથી કાકાને પતાવી દેનાર ભત્રીજો પકડાયો
રાજકોટ શહેરના લાલપરી મફતિયાપરા શેરી નં.6માં રહેતાં અને દારૂ પીવાની કુટેવ ધરાવતાં યુવકને બે શખસો સાથે દારૂના નશામાં માથાકૂટ છરીનો એક જ ઘા ઝીકી હત્યા કરાયાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે મૃતક અજય ચારોલાના પિતા કાનજી ચારોલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેનો પુત્ર અજય એસિડની રિક્ષા ચલાવી શહેરમાં અલગ-અલગ સ્થળે એસિડ પહોંચાડવાનું કામ કરતો હતો. રવિવારે સવારે છ વાગ્યે કાનજીભાઈ જાગ્યા ત્યારે કોઈ હિન્દીભાષી શખસે તેમના ઘેર આવી `તુમ્હારે લડકે કો કીસીને છુરી સે મારા હૈ ઔર વો કુછ બોલ નહીં રહા હૈ આપ જલ્દી સે આઓ.’ કહી ભાગી ગયો હતો. આ સાંભળી કાનજી ચારોલાએ અજયની પત્ની કિરણને પૂછતાં તેણે કહ્યું હતું કે અજય સવારે ચારેક વાગ્યે રોટલી બનાવવાનું કહી ઘેરથી નીકળી ગયો છે.

આ સાંભળતાં જ કાનજી ચારોલા સહિતના અજયને શોધતાં શોધતાં લાલપરી મફતિયાપરાનો ઢાળ ઉતરતા આવેલી આંગણવાડી પાછળના ભાગે જઈને જોતાં ત્યાં અજય લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. અજયને થાપાના નીચેના ભાગે છરીનો એક ઘા મારવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
આ પણ વાંચો : સૈફ અલી ખાન બાદ બેબોની કાર પર થયો હતો હુમલો! કરીના કપૂર મામલે રોનીત રોયે કર્યો ચોંકાવનારો ખુલાસો
આ અંગેની ફરિયાદ નોંધાતાં જ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ વી.ડી.ડોડિયા, હેડ કોન્સ્ટેબલ દીપક ચૌહાણ ઉપરાંત કોન્સ્ટેબલ વિશાલ દવે, સંજય ખાખરિયા સહિતની ટીમે અકરમ અને શાહરૂખ નામના મામા-ભાણેજને દબોચી લઈ આગવી ઢબે પૂછપરછ કરતાં કબૂલાત આપી હતી કે સાતેક વાગ્યે અજય ચારોલા દારૂના ચિક્કાર નશામાં એલફેલ બોલી રહ્યો હતો. અજય અકરમ અને શાહરૂખ સામે જોઈને ગાળો બોલી રહ્યો હોય તેને આમ ન કરવા સમજાવ્યો હતો આમ છતાં તે ગાળો બોલ્યે રાખતો હોય તેની સાથે ઝપાઝપી થતાં જ અકરમે પોતાના પાસે રહેલી છરીનો ઘા તેને મારી દેતાં અજય ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં બન્ને ત્યાંથી નાસી ગયા હતા. એકંદરે અકરમ અને શાહરૂખ તેમજ અજય ત્રણેય દારૂ પીવાની ટેવ ધરાવતાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
શાક સુધારવાની છરીથી કાકાને પતાવી દેનાર ભત્રીજો પકડાયો

રાજકોટમાં એક જ રાતમાં હત્યાના બબ્બે બનાવ બન્યા હતા જેમાં પ્રથમ બનાવ રાત્રે 11ઃ30 વાગ્યા આસપાસ ઘંટેશ્વર 25 વારિયામાં બન્યો હતો. અહીં જીતેશ જેસીંગ સોલંકીની તેના જ ભત્રીજા સંજય સાગર સોલંકીએ શાક સુધારવાની છરીના બે ઘા મારી હત્યા નિપજાવી હતી. આ હત્યાનું કારણ એવું સામે આવ્યું હતું કે જીતેશના પુત્રને સંજય સોલંકીએ પાંચેક જેટલા ફડાકા ઝીકી દીધા હતા. આ પછી તે પોતાના કામધંધે ચાલ્યો ગયો હતો પરંતુ જેવો તે પરત આવ્યો કે જીતેશે તેની સાથે માથાકૂટ કરતાં અત્યંત ક્રોધિત સ્વભાવના સંજય સોલંકીએ શાક સુધારવાની છરીનો એક ઘા જીતેશના ગળા ઉપર તો બીજો ઘા વાંસામાં મારી દીધો હતો. વાંસામાં ઘા માર્યા બાદ છરી અંદર જ રહી ગઈ હતી. બન્ને એક જ મકાનમાં ઉપર-નીચે રહેતા હોવાનું પણ સામે આવ્યું હતું.