રાજકોટમાં કૂતરાને ‘કંટ્રોલ’ કરવા ખર્ચાશે 2.70 કરોડ : પાલતુ શ્વાનનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન, હાલ 26,000 શ્વાનનો વસવાટ
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ ડોગબાઈટ મતલબ કે કૂતરા કરડવાના કિસ્સામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સરકારની ઝાટકણી કાઢતાં જ આ દિશામાં તંત્રએ સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજકોટની વાત કરવામાં આવે તો હાલ અહીં 26,000 રખડતાં શ્વાન વસવાટ કરે છે તેને ‘કંટ્રોલ’માં રાખવા માટે મહાપાલિકા દ્વારા 2.70 કરોડનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

આ અંગે મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ઉપેન્દ્ર પટેલે જણાવ્યું કે શહેરમાં અત્યારે 26,000 શ્વાન હોવાનું ચોપડે નોંધવામાં આવ્યું છે ત્યારે નિયમ પ્રમાણે આ એક પણ શ્વાનને પકડીને શહેર બહાર મુકી શકાતા ન હોવાથી મહાપાલિકા દ્વારા શ્વાનની વસતી ન વધે તે માટે ખસીકરણ કરવા ઉપરાંત લોકો તરફથી શ્વાન કરડવાની, હડકાયું થઈ ગયા સહિતની ફરિયાદ મળે એટલે એ શ્વાનની સારવાર કરવા માટે બે વર્ષ માટે એજન્સીને કામ આપવામાં આવશે. આ માટે 2.70 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.
આ પણ વાંચો : દુખાવો કે સોજાની દવા લેનારા સાવધાન…દવામાં ભેળવાય છે ચૂનો! 17 લાખની નકલી દવા જપ્ત, મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી
અત્યારે આ કામ ગોલ ફાઉન્ડેશન નામની સંસ્થાને આપવામાં આવ્યું છે જેની મુદત પૂર્ણ થઈ રહી હોય નવું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીને કોઈ શ્વાનને હડકવા ઉપડે તો તેનું ઓપરેશન, રસી આપવા, ઓબ્ઝર્વેશન હેઠળ ચાર દિવસ સુધી રાખવા અને ત્યારબાદ મુળ જગ્યાએ છોડી મુકવા માટે શ્વાનદીઠ 3105 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ખસીકરણ કરાયેલા શ્વાનને હડકવા વિરોધી રસી મુકવા બદલ બે વર્ષ સુધી શ્વાનદીઠ 310 રૂપિયા ખર્ચ ચૂકવશે.
આ પણ વાંચો : તું ભૂલો તો પડ મારા…રાજકોટના લોકમેળામાં અઘોરી ગ્રુપ સૌરાષ્ટ્રવાસીઓને ડોલાવશે, ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થા
અત્રે ઉલ્લેખનીય છે કે માધાપર ખાતે ડોગ સેન્ટર આવેલું છે જ્યાં ક્રોધિત શ્વાન સહિતનાને પકડીને લઈ જવામાં આવે છે અને ત્યાં તેની સારવાર કર્યા બાદ જ્યાંથી પકડયું હોય ત્યાં ફરી છોડી દેવામાં આવતું હોય ત્રાસ ઓછો થવાનું નામ લઈ રહ્યું નથી.
રાજકોટમાં પણ પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે
અમદાવાદ, સુરત, મોરબી સહિતના શહેરોમાં પાલતું શ્વાનનું રજિસ્ટ્રેશન ઉપરાંત અન્ય નિયમો અમલી બન્યા બાદ રાજકોટમાં પણ તેનો અમલ શરૂ થનાર હોવાનું જણાવી ડૉ.ઉપેન્દ્ર પટેલે ઉમેર્યું કે અમદાવાદ પાસેથી નિયમોની યાદી મંગાવવામાં આવી છે જે ટૂંક સમયમાં મળી ગયા બાદ તેના આધારે રાજકોટમાં પણ શ્વાનનું રજિસ્ટ્રેશન સહિતના નિયમો તૈયાર કરી ઠરાવ કરવામાં આવશે. જો કે આ માટે બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.