રાજકોટ જિલ્લામાં 2.39 લાખ મતદારોનો અતો,પતો નથી! 92.75 ટકા SIRની પૂર્ણ,રાજ્યના 4 મહાનગરોમાં રાજકોટ ટોચના સ્થાને
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા SIR એટલે કે, સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝનની કામગીરીની મુદતમાં વધારો કર્યો છે ત્યારે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા વિસ્તારમાં SIRની કામગીરી હવે પૂર્ણતાને રે પહોંચી હોવાના આંકડા સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભામાં નોંધાયેલ 23.91 લાખ મતદાર પૈકી 19.78 લાખ મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. સાથે જ 2.39 લાખ મતદારો એવા છે કે, તેઓ કા તો સ્થળાંતર થઇ ગયા છે, અથવા તો મળી આવતા નથી. સાથે જ 81 હજાર મતદારોના મૃત્યુ થયા હોય રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી હાલમાં 92.75 ટકા પૂર્ણ કરી લેવામાં આવી છે. એકંદરે જોવા જઈએ તો રાજકોટ જિલ્લામાં હવે માત્રને માત્ર 1,73,360 મતદારો પાસેથી જ ગણતરી ફોર્મ પરત લેવાના બાકી છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં 4 નવેમ્બરથી શરૂ થયેલ સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન અંતર્ગત રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા મતક્ષેત્રમાં નોંધાયેલ 23,91,027 મતદારો પૈકી 19,78,313 મતદારોનું તા.1 ડિસેમ્બર સુધીમાં ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ 23.91 લાખથી વધુ મતદારો પૈકી 82.74 ટકા મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ થવાની સાથે આઠેય વિધાનસભમાં એબ્સન્ટ, શિફ્ટેડ અને ડેથ મતદારોનો રેશિયો જોવામાં આવે તો આવા કુલ 2,39,354 મતદારો નોંધાયેલ હોવાથી 10 ટકા આ મતદારો સાથે જિલ્લાની SIRની કામગીરી હાલમાં 92.75 ટકા થઇ હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :શરતભંગ કેસમાં જીયાણામાં જમીનને પગ આવી ગયા! 2019માં શરતભંગની દરખાસ્ત કરનાર મામલતદારે 2025માં ક્લિનચીટ આપી દીધી
દરમિયાન રાજકોટ જિલ્લામાં શરૂઆતમાં શહેરી વિસ્તારમાં બીએલઓની કામગીરી પ્રમાણમાં થોડી નબળી રહ્યા બાદ હાલમાં પુરજોશમાં તમામ બીએલઓ અને સહાયકો કામ કરી રહ્યા હોવાથી જિલ્લાની આઠ વિધાનસભાના કુલ 2256 પૈકી 1017 એટલે કે, 50 ટકા મતદાન મથકમાં નોંધાયેલ મતદારોનું 100 ટકા SIRકરી લેવામાં આવ્યું છે. સાથે જ 400થી વધુ મતદાર બાકી હોય તેવા મતદાન મથકો પણ ગણ્યા ગાંઠ્યા જ બાકી હોય આવનાર એકાદ બે દિવસમાં જ કામગીરી પૂર્ણ થવાના સંકેત મળી રહ્યા છે.
રાજ્યના ચાર મહાનગરોમાં રાજકોટ ટોચના સ્થાને
રાજ્યમાં છેલ્લા 28 દિવસથી ચાલી રહેલી સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન એટલે કે, SIRની કામગીરીમાં રાજકોટ જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા મહાનગર પાલિકા વિસ્તારની દ્રષ્ટિએ કામગીરીમાં નંબર વન પર હોવાનું સામે આવ્યું છે. સાથે જ અન્ય નાના જિલ્લાઓ SIRની કામગીરીમાં આગળ હોય સરેરાશ કામગીરીમાં પણ અન્ય જિલ્લાની તુલનાએ આગળ હોવાનું જાણવા મળે છે. રાજકોટ જિલ્લામાં હવે માત્રને માત્ર 1,73,360 મતદારો પાસેથી જ ગણતરી ફોર્મ પરત લેવાના બાકી છે.
4 લાખથી વધુ મતદારોનું મેપિંગ બાકી
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાલમાં 23.91 લાખ મતદારો પૈકી 19.78 લાખથી વધુ મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જો કે, 19.78 લાખ મતદારો પૈકી 4 લાખથી વધુ મતદારોના ફોર્મ ડિજિટાઇઝડ થયા છે પરંતુ આ મતદારોનું વર્ષ 2002ની મતદાર યાદી સાથે મેપિંગ બાકી હોવાથી હાલમાં ચૂંટણી તંત્ર દ્વારા બાકી રહેતા મતદારોનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં 81 હજાર મતદારોના મૃત્યુ થયા
SIRની કામગીરી દરમિયાન બુથ લેવલ ઓફિસર દ્વારા એન્યુમરેશન ફોર્મનું ઘેર-ઘેર વિતરણ કરી ફોર્મ પરત લેવામાં આવતા જિલ્લામાં 81 હજાર મતદારોના મૃત્યુ થયા હોવાનો આંકડો હાલમાં સામે આવ્યો છે. જો કે, SIRની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આ આંકડો વધી શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
એબ્સન્ટ, શિફ્ટેડ અને ડેથ મતદારોનો આંકડો મોટો
રાજ્યમાં વર્ષ 2002ની તુલનાએ મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા માટે હાલમાં હાથ ધરવામાં આવેલ SIRઅંતર્ગત રાજકોટ જિલ્લામાં નોંધાયેલ કુલ 23,91,027 મતદારો પૈકી 10.01 ટકા મતદાર એવા છે કે, જેને ચૂંટણીતંત્ર એ.એસ.ડી.એટલે કે, એબ્સન્ટ, શિફ્ટેડ અથવા તો ડેથ કેટેગરીમાં ગણી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આવા એએસડી મતદારોની સંખ્યા 2,39,354 છે જેમાં સૌથી વધુ રાજકોટ પશ્ચિમ બેઠકમાં 57 હજારથી વધુ જયારે સૌથી ઓછા જસદણ બેઠકમાં 12 હજારથી વધુ છે. વિધાનસભા બેઠક મુજબ એએસડી મતદારનો આંકડો નીચે મુજબ છે.
