181 મુસાફરો સાથેની ઈન્ડીગોની ફલાઈટ હવામાં હતી ત્યાં જ એક એન્જીન બંધ થયું
પટણાથી દિલ્હી જઈ રહેલું વિમાન મોટી દુર્ઘટનામાંથી ઉગર્યુ: મુસાફરોને ફરી સીટબેલ્ટ બાંધવા અને માથુ નીચુ કરી બેસવા સૂચના અપાતા ગભરાટ ફેલાયો
પટણા,તા.4
પટણાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડીગોની 181 મુસાફરો અને આઠ ક્રુમેમ્બર સાથેની ફલાઈટમાં અચાનક જ વિમાનનું એક એન્જીન બંધ થઈ જતા તેને પટણા વિમાની મથકે ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. જો કે પાઈલોટે બીજા એક એન્જીન પર વિમાનને ઉડાવીને મોટી દુર્ઘટના નિહાળી હતી.
આજે સવારે પટણાથી 8.40 કલાકે ઈન્ડીગોની ફલાઈટે દિલ્હી માટે ઉડાન ભરી હતી અને વિમાન હજુ ટેક ઓફ કરીને ત્રણ મીનીટની ઉડાન પુરી કરી હતી ત્યાં જ તેનું એક એન્જીન બંધ થઈ ગયું હતું અને પાઈલોટે તુર્તજ પટણા વિમાની મથકે ઈમરજન્સી લેન્ડીંગની મંજુરી માંગી હતી.
આ ફલાઈટમાં અનેક જાણીતા ચહેરાઓ પણ હતા જેમાં પટણાની સીમેજ કોલેજના સંચાલક નિરજ અગ્રવાલ પણ સામેલ હતા અને પાઈલોટે મુસાફરોને ફરી એક વખત સીટબેલ્ટ બાંધી લેવા અને સીટ પકડીને માથુ આગળની તરફ નીચુ કરી દેવા સૂચના આપતા ગભરાટ ફેલાઈ ગયો હતો.
વિમાનના એન્જીનમાંથી પણ ખૂબજ ઘડઘડાટી જેવો અવાજ આવતો હતો. લગભગ 15 મીનીટ વિમાન આ સ્થિતિમાં હવામાં રહ્યું છે અને પટણા એરપોર્ટ પર તુર્તજ રનવે કલીયર કરી દેવાયો હતો અને પાઈલોટે સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું હતું.
આ ઘટનાને પગલે વિમાનમાં અને એરપોર્ટ પર તડાફડી મચી ગઈ હતી મુસાફરોએ હંગામો કર્યો હતો જો કે તુર્તજ 11 વાગ્યે બીજી ફલાઈટની વ્યવસ્થા કરીને તમામને દિલ્હી રવાના કર્યા હતા.