રાજકોટ ડિવિઝનમાં એક વર્ષમાં 178 લોકોના વીજશોકથી મૃત્યુ : 123 પશુઓનો ભોગ લેવાયો
ખાસ કરીને વર્ષાઋતુમાં વીજશોક લાગવાના બનાવો વધુ બનતા હોય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઓલ ઇન્ડિયા ઇલેક્ટ્રિક એક્સિડેન્ટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા રાજકોટ, જામનગર અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાં વર્ષ 2024-2025માં વીજતંત્ર, ખાનગી ફેકટરીઓ અને લોકોના રહેણાક તેમજ વાણિજ્ય જગ્યાઓમાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી પશુધન તેમજ માનવમૃત્યુના 350 બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ વર્ષ દરમિયાન રાજકોટ જિલ્લામાં વીજશોક લગતા 49 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચ્યાનું પણ જાહેર થયું છે.

દેશભરમાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી થતા માનવ અને પશુધન મૃત્યુ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઇલકેટ્રીક ઇન્સ્પેકટરની કચેરી મારફતે તપાસ કરવામાં આવતી હોય છે અને ઓલ ઇન્ડિયા ઇલેક્ટ્રિક એક્સિડેન્ટના તમામ રાજ્યના સત્તાવાર આંકડાઓ મેળવવામાં આવે છે જે અંતર્ગત રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લાનો રાજકોટ ડિવિઝનમાં સમાવેશ કરી વીજ અકસ્માતના બનાવોમાં તપાસ કરવામાં આવે છે. રાજકોટ ડિવિઝન હેઠળ વર્ષ 2024-25માં ઇલેક્ટ્રિક એક્સિડેન્ટના કુલ 350 બનાવો બન્યા હતા.
આ પણ વાંચો : કહેતા હોવ તો તમને ભાજપનો ખેસ પહેરાવી દઉં : રાજકોટ મહાપાલિકા કચેરીમાં આપ-પોલીસ વચ્ચે બઘડાટી
વધુમાં રાજકોટ ડિવિઝન હેઠળ ગત વર્ષ દરમિયાન રાજકોટ જિલ્લામાં 42, જામનગર જિલ્લામાં 53 અને સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 77 માનવમૃત્યુના બનાવ બન્યા હતા. આ ઉપરાંત ઇલેક્ટ્રિક એક્સીડેન્ટમાં 49 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું આંકડા જણાવી રહ્યા છે. દરમિયાન વર્ષ 2024-25માં જૂનાગઢ જિલ્લામાં 64 પશુઓ, જામનગર જિલ્લામાં 40 પશુઓ તેમજ રાજકોટ જિલ્લામાં 19 પશુઓના મૃત્યુ નિપજ્યા હતા. કુલ મળી જિલ્લામાં માનવ અને પશુ મૃત્યુનો આંક 350 થયો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
