સુરતના વેપારીના 16 વર્ષીય પુત્રની કાનપુરમાં અપહરણ બાદ હત્યાઃ ટ્યુશન ટીચર, પ્રેમીનો હાથ
હત્યા કર્યા પછી અપહરણનો દેખાડો કરવા માટે ખંડણીના 30 લાખ રૂપિયા માંગ્યા
અલ્લાહ પર ભરોસો રાખો એવું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં 10મા ધોરણના એક વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ તેના મહિલા ટ્યુશન ટીચર અને તેના પ્રેમીનો હાથ હોવાનું જાણવા મળે છે. આ વિદ્યાર્થીના પિતા મનીષ કનોડિયા સુરતમાં ટેક્સ્ટાઈલનો બિઝનેસ કરે છે જ્યારે તેના દાદા કાનપુરમાં કપડાનો વ્યવસાય ચલાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાનપુરના રાયપુરવામાં રહેતા ટેક્સટાઈલના એક મોટા વેપારીના 16 વર્ષીય પૌત્ર કુશાગ્ર કનોડિયાની અપહરણ બાદ હત્યા થઈ છે. કુશાગ્ર 10મા ધોરણનો વિદ્યાર્થી હતો અને રચિતા નામની ટ્યુશન ટીચર પાસે ભણવા જતો હતો. રચિતાના પ્રેમી પ્રભાત શુક્લા અને તેના મિત્ર આર્યન ઉર્ફે અંકિતે કુશાગ્રનું પહેલાં અપહરણ કર્યું અને પછી હત્યા કરી છે. પ્રભાત શુક્લા કુશાગ્રને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની હત્યા કરી હતી. CCTV કેમેરા પરથી પોલીસને તમામ પૂરાવા મળી ગયા છે.
કુશાગ્રની હત્યા કર્યા પછી આ અપહરણનો કેસ લાગે તે માટે કુશાગ્રના ઘરે એક પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં 30 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. પત્રમાં લખ્યું હતું કે “તમારા પુત્રને જીવતો ઈચ્છતા હોવ તો 30 લાખ રૂપિયા આપી દો. રૂપિયા ક્યાં મોકલવાના છે તે તમને ફોન પર જણાવીશું.”
કિડનેપરે પત્રમાં એમ પણ લખ્યું હતું કે, “તમારા તહેવાર બગડે એવું અમે નથી ઈચ્છતા. તમે રૂપિયા હાથમાં રાખો, એક કલાક પછી તમને છોકરો મળી જશે. ગભરાતા નહીં અલ્લાહ પર ભરોસો રાખો.” આ રીતે પોલીસને ગેરમાર્ગે દોરવા પણ પ્રયાસ કરાયો હતો.
કુશાગ્રનો પરિવાર આ પત્ર મળતા જ ચોંકી ઉઠ્યો હતો. તેઓ આ રૂપિયાની વ્યવસ્થા પણ કરી શકે તેમ હતા, પરંતુ તેમને કુશાગ્ર જીવીત મળવાનો ન હતો કારણ કે તેની પહેલેથી હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા પાછળ એકથી વધુ થિયરી જાણવા મળે છે. કુશાગ્રના પિતા ધનાઢ્ય વેપારી હોવાના કારણે તેની ટિચર રચિતા અને તેના પ્રેમી પ્રભાત શુક્લાએ લાખો રૂપિયા પડાવવા માટે તેનું અપહરણ કરાવ્યું હોવાની શક્યતા છે. બીજી એક થિયરી એવી પણ છે કે પ્રભાત શુક્લાને એવી શંકા હતી કે તેની પ્રેમિકા રચિતાને કુશાગ્ર સાથે સંબંધ છે. તેથી તેણે અપહરણ અને ખંડણીનું કાવતરું રચ્યું હતું. છોકરાની હત્યા પછી તેનું બોડી પોતાના ઘરમાં જ છુપાવી દીધું હતું.
કુશાગ્રના દાદા સંજય કનોડિયા કાપડના મોટા વેપારી છે અને તેના પિતા મનીષ કનોડિયા સુરતમાં ટેક્સ્ટાઈલનો બિઝનેસ સંભાળે છે. કુશાગ્ર જયપુરિયા હાઈસ્કૂલમાં ભણતો હતો. સોમવારે કુશાગ્ર પોતાના સ્કૂટર પર સાંજે 4.30 વાગ્યે કાનપુરના સ્વરૂપનગર સ્થિત કોચિંગ સેન્ટર પર ગયો હતો. સાંજે 7.30 વાગ્યે તેના પરિવારજનોએ તેને ફોન કર્યો ત્યારે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
તેના મિત્રોને પણ ફોન કરવામાં આવ્યો છતાં કોઈ માહિતી ન મળતા પોલીસને જાણ કરવામાં આવી. આ દરમિયાન કોઈ કુશાગ્રના ઘરમાં એક પત્ર ફેંકી ગયું જેમાં 30 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
પોલીસે આ કેસની તપાસ શરૂ કરી ત્યારે તેને એક જગ્યાએ કુશાગ્રનું સ્કૂટર મળી આવ્યું હતું. ત્યાર પછી કેટલીક જગ્યાએ તપાસ કરવા છતાં કઈં ન મળ્યું. અંતે કોઈ છોકરાનો મૃતદેહ કોઈ જગ્યાએ પડ્યો છે તેવી માહિતી મળી અને ત્યાં જઈન તપાસ કરતા તે કુશાગ્ર કનોડિયાનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું.