કોલકત્તાની હોટલમાં આગ લાગતાં 15 ના મોત
પશ્ચિમ બંગાળના કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે 8:15 વાગ્યાની આસપાસ બની હતી. કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આગ કેમ લાગી તે જાણવા માટે આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે. તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તેમણે શંકા વ્યક્ત કરી છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.