રાજકોટમાં ત્રણ જ દિ’માં 148 અકસ્માત, 38 મારામારી! દિવાળીથી ભાઈબીજ સુધી ગુજરાતમાં 108ના સાયરન ગુંજ્યે જ રાખ્યા
દિવાળીના પર્વનું રંગેચંગે સમાપન થઈ ચૂક્યું છે અને લોકો ફરી પોતાના કામ-ધંધે વળગ્યા છે ત્યારે સામાન્ય દિવસોની તુલનાએ પર્વના ત્રણ દિવસ દરમિયાન અકસ્માત અને મારામારીની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો હોવાનું પ્રાપ્ત થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે. એકંદરે ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સના સાયરન ગુંજ્યે જ રાખ્યા હતા. રાજકોટની વાત કરવામાં આવે તો ત્રણ દિવસમાં શહેર-જિલ્લામાં 148 અકસ્માત તો 38 સ્થળે મારામારી થવાને કારણે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
108 પાસેથી મળેલા આંકડા પ્રમાણે દિવાળીના દિવસે રાજકોટ શહેર-જિલ્લામાં 51 અકસ્માત નોંધાયા હતા જે સામાન્ય દિવસોમાં 27 હોય છે. આ પ્રમાણે દિવાળીના દિવસે અકસ્માતમાં 85.68%નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નૂતન વર્ષના દિવસે 60 અકસ્માત થયા હતા જે સામાન્ય દિવસોમાં 27 હોય છે. આ પ્રમાણે નૂતન વર્ષે અકસ્માતમાં 118.45%નો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભાઈબીજના દિવસે રાજકોટ શહેર-જિલ્લામાં 37 અકસ્માત થયા હતા જે સામાન્ય દિવસ કરતા 37.04% વધુ હતા. સામાન્ય દિવસોમાં આ આંકડો 27 આસપાસ જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રમાણે શહેર-જિલ્લામાં ત્રણ દિવસમાં કુલ 148 અકસ્માત થયા હતા.
આ જ પ્રમાણે મારામારીના કેસમાં પણ ઉછાળો નોંધાયો હતો. શહેર-જિલ્લામાં દિવાળીના દિવસે 19 મારામારી થઈ હતી જે સામાન્ય દિવસોમાં આઠ રહેતી હોય છે. આ પ્રમાણે તેમાં એક જ દિ’માં 124.41%નો ઉછાળો આવ્યો હતો. જ્યારે નૂતન વર્ષે મારામારીના 11 અને ભાઈબીજના દિવસે શહેર-જિલ્લામાં મારામારીના આઠ બનાવ નોંધાતાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ પર્વમાં સૌથી વધુ અકસ્માત અમદાવાદમાં નોંધાયા હતા જેનો આંકડો 337 છે. જ્યારે સૂરતમાં 258 અકસ્માત થવા પામ્યા હતા.
