સુરતમાં એક સાથે 14 નકલી ડોકટરો ઝડપાતા ખળભળાટ : 1200- 1500 નકલી ડિગ્રી જપ્ત : મુખ્ય આરોપી ડૉ. રસેશ ગુજરાતીની ધરપકડ
ગુજરાતમાં આજકાલ નક્લીની ભરમાર ચાલી રહી છે. નકલી ઘી, નક્લી ટોલનાકુ, નક્લી IPS, નક્લી PMO નો ઓફિસર અને નક્લી કચેરી, નક્લી જજ, નકલી ED બાદ એક સાથે 14 નકલી ડૉક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડોકટર જેને લોકોએ ભગવાનનો દરજ્જો આપ્યો છે. લોકો તેમની ભાવના સાથે રમત કરતાં થયા છે. કોઈ બીમારીમાં લોકો ઈશ્વર જેટલો જ ભરોસો ડૉક્ટર પર મૂકે છે ત્યારે નકલી ડોકટરો ઝડપાઇ ત્યારે લોકોનો વિશ્વાસ પણ ડગમગે છે. ત્યારે સુરતમાં નકલી તબીબો સાથે 1200-1500 ડિગ્રી જપ્ત કરીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં નકલી ડૉક્ટરનો રાફડો ફાટ્યો હોય તેમ આજે એક સાથે 14 જેટલા બોગસ ડૉક્ટર ઝડપાયા છે. ઝોન 4ની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. પોલીસ તપાસ દરમિયાન અન્ય બોગસ ડોક્ટર મળી આવે તેવી શક્યતા છે. મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરવામાં આવી છે.
સુરત પોલીસ દ્વારા અમદાવાદના બી કે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર છે. આ તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલ બતાવી રજીસ્ટ્રેશન કરતા હતા.