26મીએ મુખ્યમંત્રીના હસ્તે 134 પરિવારોને મળશે સનદ
વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને મળશે રાજકોટના પીપળીયા ગામે રહેણાંક માટે જમીન
રાજકોટ : આગામી તા.26ના રોજ રાજકોટ આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાનાર છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રાજકોટના પીપળીયા ગામે વિચરતી અને વિમુક્ત જાતિના 134 પરિવારોને ઘરના ઘરના સ્વપ્ન માટે રહેણાંક હેતુની જમીન ફાળવી મુખ્યમંત્રીના હસ્તે સનદ આપવામાં આવશે.
રાજકોટ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણાના જણાવ્યા મુજબ રાજકોટ ખાતે વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને કાયમી રહેણાંક મળી રહે તે હેતુથી જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજકોટ તાલુકાના પીપળીયા ગામે 134 પરિવારો માટે રહેણાંક હેતુના પ્લોટ ફાળવણી કરી તેઓને મુખ્યમંત્રીના હસ્તે સનદ વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રાજકોટ તાલુકા સહિત કુલ 13 તાલુકાઓમાં વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે જમીન ફાળવણીની કુલ મળી 3003 અરજીઓ મળેલ હતી જેમાં 2111 અરજીઓ જાન્યુઆરીમાં અને 101 અરજીઓ ફેબ્રુઆરીમાં મંજુર કરવામાં આવી હતી. રાજકોટ તાલુકામાં કુલ 1014 પૈકી કુલ 811 અરજીઓ મંજુર થઇ છે. જેમાં પીપળીયા ગામે 134 પરિવારોને જમીન ફાળવણી કરી આ તમામ લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે સનદનું વિતરણ કરવામાં આવશે.