કોઈ નથી રહેતું તેવા 1056 આવાસને રૂ.16.60 કરોડના ખર્ચે રિપેર કરાશે ! નવીનીકરણ બાદ ફાળવણીની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા દરેક શહેરમાં આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે. આવી જ બે આવાસ યોજના જેમાંથી એક પ્રેમમંદિર પાછળ રવિ પાર્ક મેઈન રોડ પર અને બીજી આવાસ યોજના પોપટપરા વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલી છે જ્યાં 1056 આવાસ વર્ષોથી ખાલી પડ્યા હોવા છતાં તેને રિપેર કરવા માટે 16.60 કરોડનો માતબર ખર્ચ કરવાની દરખાસ્ત મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવતાં આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેના પર નિર્ણય લેવામાં આવ્યો છે.

રવિ પાર્ક મેઈન રોડ પર આવેલી આવાસ યોજનાની કામગીરી 13-02-2010થી પૂર્ણ થઈ ચૂકી છે. અહીં 360 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ BSUPની પોલિસી પ્રમાણે લાભાર્થીઓ પાત્રતા ધરાવતા ન હોય શહેરી ગરીબો તેમજ વિસ્થાપિતોને આપવા માટે અનામત રાખવામાં આવ્યા હતા.
ત્યારબાદ PPP રૈયાધાર યોજના અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ આવાસ તેમને સોંપવામાં આવ્યા હતા પરંતુ હાલ આ તમામ આવાસ ખાલી હોય ખખડી ગયા હોવાને કારણે હવે તેમાં જરૂરી રિપેરિંગ, અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાંકા, સિન્ટેક્સ ટાંકી, ટેરેસ પર ચાઈના મોઝેક ટાઈલ્સ, કિચન પ્લેટફોર્મ, રંગરોગાન, ઈલેક્ટ્રિક વર્ક, નવા બારી-દરવાજા સહિતની કામગીરી કરવા માટે પ્રવિણ સી.સાવલિયાને 39.96% ‘ઓન’થી 7,59,20,742ના ખર્ચે કામ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજુર કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટના અટલ સરોવર નજીક 45 એકર જગ્યામાં બનશે કન્વેન્શન સેન્ટર : દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
આ જ રીતે પોપટપરા વિસ્તારમાં આવેલી BSUP-3આવાસ યોજનાની કામગીરી 25-07-2019ના પૂર્ણ થઈ ચૂકી હતી. અહીં 888 આવાસમાંથી 696 આવાસ ખાલી પડયા છે જ્યારે 192 આવાસમાં પરિવાર રહે છે. અહીંના આવાસને રિપેરિંગ કરવા માટે પ્રવિણ સી. સાવલિયાને 38.50% ‘ઓન’થી9,01,92,905 રૂપિયામાં કામ આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે . અહીં પણ અગાસી પર મોઝેક ટાઈલ્સ, કિચન પ્લેટફોર્મ સહિતનું કામકાજ કરવામાં આવશે.