રાજકોટ સહિત આખા દેશમાં અત્યાર સુધી ફ્લાઈટમાં અથવા તો એરપોર્ટમાં બોમ્બ મુકાયાનો ધમકીભર્યો ઈ-મેઈલ મોકલીને ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવતું હતું. આ બધાની વચ્ચે દેશમાં એકમાત્ર રાજકોટની જ ૧૦ હોટેલમાં બોમ્બ મુક્યો હોવાનો દરેક હોટેલ પર ઈ-મેઈલ આવતાં પોલીસમાં જબરદસ્ત દોડધામ થઈ પડી હતી. જે હોટેલને ધમકીભર્યો ઈ-મેઈલ કરાયો હતો તેમાં હોટેલ સીઝન્સ, ઈમ્પિરિયલ, સયાજી, રીજન્સી સહિતનો સમાવેશ થાય છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મહેમાનોની અવર-જવર રહે છે.
બોમ્બનો ઈ-મેઈલ મળતાં પોલીસે દોડી જઈને ધડાધડ ચેકિંગ શરૂ કર્યું હતું જેના કારણે હોટેલમાં ઉતરેલા મહેમાનોને થોડો સમય માટે પરેશાની પણ થઈ હતી. જો કે ક્યાંય પણ કશું વાંધાજનક મળ્યું ન્હોતું. આ ઈ-મેઈલ બપોરે ૧૨:૪૫ વાગ્યે હોટેલોને મળ્યો અને જેવી પોલીસને જાણ થઈ કે તુરંત જ ગંભીરતા પારખી જઈ અલગ-અલગ હોટેલ તરફ ટીમ બનાવી દોટ મુકાઈ હતી. પોલીસે પોતાની સાથે બોમ્બ સ્કવોડ સહિતને પણ સાથે રાખ્યા હતા સાથે સાથા ડોગ સ્કવોડ પણ હોવાથી જેવી પોલીસ હોટેલ પર અચાનક પહોંચી કે ત્યાં હાજર લોકોના શ્વાસ પણ અધ્ધર ચડી ગયા હતા.
કઈ કઈ હોટેલને મળી ધમકી
- સીઝન્સ
- ઈમ્પિરિયલ
- સયાજી
- સેન્ટોસા
- બીકોન
- ભાભા
- પેરેમાઉન્ટ
- જ્યોતિ
- ધ મીન્ટસ
- ગ્રાન્ડ રિજન્સી
શું લખ્યું હતું ઈ-મેઈલમાં
મેઈલ કરનાર: Kan Din
(Dancoco101F@outlook.com)
મેં તમારી હોટેલના તમામ સ્થળે બોમ્બ ગોઠવ્યા છે.
આ બોમ્બ કેટલાક કલાકોમાં ફૂટશે
આજે ઘણા નિર્દોષ લોકોનો જીવ જશે
જલ્દી કરો અને હોટેલ ખાલી કરો, ખાલી કરો
એક ધમકી’ને ૨૦૦ પોલીસ સ્ટાફ ૭ કલાક સુધી લાગ્યો ધંધે !
ચેકિંગ પૂર્ણ થયા બાદ કશું જ વાંધાજનક નહીં મળતાં સૌએ લીધો રાહતનો શ્વાસ
એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ સ્કવોડ, સ્થાનિક પોલીસ, એલસીબી સહિતે ચેકિંગમાં ઝંપલાવ્યું
આજથી દરેક હોટેલ્સનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ, અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ કોમ્બિંગ-ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ
દિવાળીનો તહેવાર હોવાથી લોકો ઉજવણીમાં મગ્ન થવાની તૈયારીમાં જ છે બરાબર ત્યારે જ વિકૃત માનસિક્તા ધરાવતાં કોઈ ટીખળખોરે હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ કરતાં જ આખા રાજકોટની પોલીસના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા હતા. શહેરની પ્રતિષ્ઠિત હોટેલોને બપોરે ૧૨:૪૫ વાગ્યે મેઈલ મળ્યા બાદ ૧ વાગ્યા સુધીમાં તો દરેક હોટેલ બહાર પોલીસ ડોગ સ્કવોડ તેમજ બોમ્બ સ્કવોડ સાથે તૈનાત થઈ ગઈ હતી અને ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. જો કે એક સાથે ૧૦ હોટેલને ધમકી મળી હોવાથી અલગ-અલગ ૨૦૦ પોલીસ સ્ટાફની ટીમ બનાવીને દરેક હોટેલ પર મોકલવામાં આવી હતી. સ્ટાફ દ્વારા સાત કલાક સુધી હોટેલનો ખૂણેખૂણો ચકાસવામાં આવ્યો હતો.
એકંદરે મુખ્ય દરવાજાથી લઈ હોટેલના દરેક રૂમના ઓશિકા સુધી પોલીસે ચેકિંગ કર્યું હતું. સાત કલાકના ચેકિંગના અંતે કશું જ વાંધાજનક નહીં મળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. એકંદરે આ ઈ-મેઈલને પગલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ સ્કવોડ, સ્થાનિક પોલીસ, બન્ને ઝોનની એલસીબી સહિતે ચેકિંગમાં ઝંપલાવી દીધું હતું.
દરમિયાન ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ધમકીભર્યા ઈ-મેઈલને પગલે પોલીસ સાવધ બની ગઈ છે અને આજથી દરેક હોટેલ્સનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવશે સાથે સાથે તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ વિસ્તારમાં દરરોજ કોમ્બિંગ પણ કરવામાં આવશે.
સાયબરના બે પીઆઈ, ત્રણ એક્સપર્ટની મુળ સુધી પહોંચવા કલાકો સુધી મથામણ
ટૂંક સમયમાં ઈ-મેઈલ મોકલનાર સુધી પોલીસ પહોંચી જશે
ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ આખરે આ ઈ-મેઈલ રાજકોટ કે અન્ય કોઈ શહેરમાંથી કરવામાં આવ્યો છે કે પછી બીજા કોઈ રાજ્યમાંથી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી સાથે સાથે ઈ-મેઈલ કરનાર વ્યક્તિ સુધી બને એટલી ઝડપથી પહોંચી જવા માટે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ બી.બી.જાડેજા સહિત બે પીઆઈ તેમજ ત્રણ સાયબર એક્સપર્ટની ટીમે મથામણ શરૂ કરી દીધી હતી. કલાકો સુધી તપાસ કર્યા બાદ સચોટ કશું હાથ લાગ્યું ન્હોતું આમ છતાં ટૂંક સમયમાં જ ઈ-મેઈલ મોકલનાર સુધી પોલીસ પહોંચી જશે તેવી શક્યતાઓ ઉજળી દેખાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.