રાજકોટની માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો 10.7 કિ.મી. રસ્તો રિ-ડિઝાઈન કરાશે : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મળી મંજૂરી
રાજકોટમાં અત્યારે એક પણ રસ્તો એવો જોવા નહીં મળે કે જ્યાં ફૂટપાથ તો ઠીક પરંતુ રસ્તા ઉપર દબાણો ન થઈ ગયા હોય ! આવો જ એક રસ્તો માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો છે. 10.7 કિલોમીટરનો આ રસ્તો 150 ફૂટ પહોળો છે પરંતુ અત્યારે અહીં રસ્તો ઓછો અને દબાણો વધુ થઈ જવા ઉપરાંત અમુક નડતર એવી ઉભી થઈ ગઈ હોય કે જેને દૂર કરવી અત્યંત જરૂરી હોવાથી તેની નવેસરથી ડિઝાઈન કરાવવાનો નિર્ણય તંત્રવાહકો દ્વારા લેવામાં આવ્યો છે. આ રસ્તાની રિ-ડિઝાઈનનો સર્વે કરવા માટે સુરતની એજન્સીને કામ આપવાની દરખાસ્ત પણ કરાઈ હતી જેના ઉપર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે સુરતની એસ.વી.એન.આઈ.ટી એજન્સી પાસે ઉપરોક્ત રસ્તાનો સર્વે કરાવવામાં આવશે. આ માટે પ્રતિ કિલોમીટર દીઠ એજન્સીને 9 લાખ રૂપિયાનું ચૂકવણું પણ કરાશે. 150 ફૂટ રિંગરોડ (માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી) સુધીના રસ્તામાં તેમજ સર્કલ ઉપર મોટાપાયે ટ્રાફિક સમસ્યા રહેતી હોય રસ્તો રિ-ડિઝાઈન કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે. ખાસ કરીને અહીં સાયકલ ટ્રેક માત્ર નામનો રહેવા પામ્યો છે અને તેના ઉપર દબાણો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત BRTS રૂટ માટે પણ રસ્તાનો વધુ વપરાશ થઈ રહ્યાનું લાગી રહ્યું હોય એજન્સી દ્વારા હવે રસ્તામાં ક્યાં-ક્યાં અડચણ આવી રહી છે અને શું કરવાથી રસ્તો પહોળો થઈ શકે તે માટેનો સર્વે કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટના રૈયા વિસ્તારમાં બે સ્થળોએ ઓપરેશન ડિમોલિશન : 30 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
આ સર્વે પૂર્ણ થઈ ગયા બાદ એજન્સી મહાપાલિકાને રિપોર્ટ સોંપશે અને ત્યારબાદ તુરંત જ રસ્તાને ડિઝાઈન પ્રમાણે બનાવવાનુંકામ શરૂ કરી દેવામાં આવશે. આ એજન્સીએ સુરત અને અમદાવાદમાં પણ રસ્તાઓને રિ-ડિઝાઈન અને રિ-ડેવલપમેન્ટનું કામ કર્યું હોય તેના આધારે રાજકોટમાં પણ કામ આપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર તરફથી મળતાં તેના ઉપર આજે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે.