1લી માર્ચે નવી જંત્રીના વાંધા-સૂચનો અંગે હીયરીંગ : રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટી કરશે સુનાવણી
રાજ્યમાં આગામી એપ્રિલ માસથી નવી જંત્રી અમલી બનાવવા માટે સરકારે ગતિવિધિ તેજ કરી હોવાના અણસારો વચ્ચે રાજકોટ શહેરના વિવિધ વેલ્યુઝોન અંગે નવી સૂચિત જંત્રી સામે આવેલા વાંધા-સુચનોનું આગામી તા.1લી માર્ચના રોજ હીયરીંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. 1લી માર્ચે જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટી ગતિશક્તિ પોર્ટલ મારફતે વાંધા-સૂચનોની સુનાવણી કરશે.
જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા આગામી એપ્રિલ માસથી નવી જંત્રી અમલી બનાવવા માટે સૂચિત જંત્રી જાહેર કરી લોકોના વાંધા-સૂચનો મંગાવતા રાજકોટ શહેરમાંથી કુલ 303 વાંધા-સૂચનો તંત્ર સમક્ષ આવ્યા હતા જ પૈકી 110 જેટલા વાંધા-સૂચનો એક જ વેલ્યુઝોનના હોય ડુપ્લિકેશન થતા સ્ટેમ્પડ્યુટી મૂલ્યાંકન કચેરી દ્વારા આવા વાંધા કાઢી નાખવામાં આવ્યા છે અને બાકી રહેતા કુલ 193 વાંધાસૂચનો અંગે આગામી તા.1લી માર્ચના રોજ જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટી આ વાંધા-સૂચનોનું હીયરીંગ કરશે.
વધુમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનર, રૂડાના ટાઉન પ્લાનર તેમજ નગર નિયોજક અને એસએલઆર સહિતના અધિકારીઓની બનેલી કમિટી સૂચિત જંત્રી અંગે ગતિશક્તિ પોર્ટલ મારફતે સુનાવણી કરનાર હોવાનું જાણવા મળે છે.જો કે,રાજકોટ ગ્રામ્ય વિસ્તારના વાંધાસૂચન માટે હવે પછી સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.