સંતકબીર રોડના ઇમિટેશનના અગ્રણી વેપારીનો આપઘાત
સવારે વેપારીનો ફોન બંધ હોવાથી પુત્રએ ફાર્મ હાઉસમાં રૂબરૂ જઈ
તપાસ કરતા પિતા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા
દેવરાજભાઈનો મોબાઈલ શંકાસ્પદ રીતે ગાયબ
સાયપર ગામે ફાર્મહાઉસમાં આપઘાત કરી લેનાર દેવરાજભાઈ ગઢિયાનો મોબાઈલ ફોન ક્યાંય મળી ન આવતાં કશુંક અજુગતું તો નહીં થયું હોય ને તેવી શંકા ઘેરી બની હતી. બીજી બાજુ પોલીસ દ્વારા દેવરાજભાઈની કોલ ડિટેઈલ કઢાવવામાં આવી છે જે આવ્યા બાદ તેમણે છેલ્લે કોની સાથે વાત કરી હતી તે સહિતની બાબત ઉપરથી પડદો ઉંચકાઈ જશે અને સંભવતઃ આપઘાતનું સચોટ કારણ પણ સામે આવી શકે છે. હાલ પોલીસની તમામ તપાસ મોબાઈલ તેમજ કોલ ડિટેઈલ ઉપર કેન્દ્રીત છે.
શહેરના સંતકબીર રોડ પર ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય અગ્રણી વેપારીએ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકનો પુત્ર સવારે પિતા ફોન ન ઉપાડતા હોય જેથી રૂબરૂ ફાર્મ હાઉસ તપાસ કરવા જતા પિતા લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવને લઈને પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ અંગની વિગતો મુજબ, રણછોડનગર વેકરીયા મેઈન રોડ કિસાન નોવેલ્ટીની સામે રહેતા અને સંતકબીર રોડ પર “શગાર સેલ્સ” નામે શો રૂમ ધરાવતા 60 વર્ષીય દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયા સાયપર ગામે હોય દરમિયાન રાત્રીના કોઈપણ સમયે ઇલેક્ટ્રિક વાયર એંગલમાં બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. સવારે દેવરાજભાઈનો પરિવાર તેઓને ફોન કરી રહ્યો હોય લાંબો સમય સુધી ફોન બંધ આવતા દેવરાજભાઈનો પુત્ર અંકિત રૂબરૂ ફાર્મ હાઉસ ખાતે જઈને તપાસ કરતાં પિતા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દેવરાજભાઈ ઇમિટેશન એસોસિએશનના સભ્ય હતા તેમજ એક નામાંકિત વેપારી તરીકેની તેમની છાપ હતી. સમાજ લક્ષી કે સેવા કાર્યોમાં તેઓ હંમેશા અગે્રસર રહેતા હતા. તેઓના અપમૃત્યુ વિશે જાણ થતા પૂર્વે મંત્રી અરિંવદ રૈયાણી, ભાજપના આગેવાનો તેમજ સાથી વેપારીઓ દોડી ગયા હતા.
વધુમાં જાણવા મળ્યા મુજબ, મૃતક દેવરાજભાઈ મૂળ સાયપર ગામના વતની હતા તેઓ અવારનવાર અહીં આવેલા ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અંકિત છે. આપઘાત અંગે પરિવાર કશું જાણતો ન હવાનું સામે આવ્યું હતું. તેમજ દેવરાજભાઈનો મોબાઇલ પણ હાલ પોલીસને મળ્યો ન હતો ઘટના અંગે પોલીસે મોતનું સચોટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
