વિદેશ અભ્યાસ માટે માત્ર 4 ટકાના દરે મળે છે સરકારની 15 લાખની લોન : અત્યારસુધીમાં આટલા વિદ્યાર્થીઓએ લીધો લાભ
- અત્યાર સુધીમાં રાજકોટના સામાજિક અને આર્થિક પછાતવર્ગના 70 વિદ્યાર્થીઓએ મેળવી સરળ લોન
રાજકોટ : ધોરણ-12 કે ગ્રેજ્યુએશન બાદ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનું ચલણ વધ્યું છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું સ્વપ્ન જોનારા મધ્યમ અને ગરીબવર્ગના બાળકો માટે એજ્યુકેશન લોન લેવા માટે સાત કોઠા વીંધવા જેવી કઠિન પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાના અનેક કિસ્સા જોવા મળતા હોય છે ત્યારે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના વિકસતી જાતિ વિભાગ દ્વારા સામાજિક અને આર્થિક પછાત માટે આસાનીથી રૂપિયા 15 લાખની લોન ફક્ત 4 ટકાના વ્યાજદરે ઉપલબ્ધ છે, રાજકોટમાંથી સરકારની આ સરળ લોન લઈ 70 વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ લઈ રહ્યા છે.
રાજકોટના બહુમાળી ભવન ખાતે આવેલ સમાજ કલ્યાણ વિભાગની નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 15 લાખની લોન એકદમ સરળ ડોક્યુમેન્ટ રજૂ કર્યેથી ફક્ત એકથી દોઢેક માસના ટૂંકા ગાળામાં જ લોન ઉપલબ્ધ કરાવવા આવે છે. ધોરણ 12 તેમજ ગ્રેજ્યુએશન બાદ 60 ટકાથી માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને 4 ટકાના વ્યાજદરે એજ્યુકેશન લોન આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓના વાલીની આવક મર્યાદા વાર્ષિક 10 લાખથી વધુ ન હોવી જોઈએ.
સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક વિકસતી જાતિ જે.એ.બારોટે એજ્યુકેશન લોન અંગે જણાવ્યું હતું કે, સામાજિક તેમજ આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકાર 15 લાખ સુધીની સરળ લોન આપે છે, વર્ષ 2006થી સરકારની આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી કુલ 70 વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં 876 લાખ લોન મંજુર કરવામાં આવી છે. વધુમાં વર્ષ 23 -24મા 12 અને વર્ષ 24-25માં 9 વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન આપવામાં આવી છે જેમાં ધોરાજીના 2, ગોંડલના 2 અને રાજકોટના રાજકોટ 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સરકારી લોન મેળવી વિદ્યાર્થીઓ રશિયા, કેનેડા ગયા
રાજકોટ સમાજ કલ્યાણ વિભાગ મારફતે એજ્યુકેશન લોનન મેળવી મોટાભાગના વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે રશિયા જઈ એમબીબીએસનો અભ્યાસ કરવાની સાથે ગ્રેજ્યુએશન બાદ કેનેડામાં માસ્ટર ઓફ ડેટા સાયન્સ, માસ્ટર ઓફ મેનેજમેન્ટ, મિકેનિકલ, જર્મનીમાં માસ્ટર કોર્ષ ઉપરાંત બ્રિટનમાં ડેટા એનલીસીસીના માસ્ટર કોર્ષ કરી રહ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.