રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન સામે ભાજપનો ગુજરાતવ્યાપી વિરોધ : CM ભુપેન્દ્ર પટેલે ધરણા કર્યા, કાળી પટ્ટી પહેરી
લોકસભાનાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકાર એસ.સી. એસ.ટી અને ઓબીસી વર્ગ માટેની અનામતની જોગવાઈ હટાવવા માગે છે તેવા કરેલા નિવેદન સામે ભાજપ દ્વારા આજે ગુજરાત વ્યાપી વિરોધ પ્રદર્શન અને ઘરણા કરવામાં આવ્યા હતા. સૌથી મહત્વનું એ હતું કે, ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાળી પટ્ટી પહેરીને અમદાવાદમાં પદયાત્રા કરીને ધરણા કર્યા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રકારે વિરોધ કર્યો હોય તેવું પહેલી વાર બન્યુ છે.
અમદાવાદમાં આર.ટી.ઓ. પાસે ભાજપ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણાના આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા સહિતના નેતાઓ જોડાયા હતા આ પૂર્વે એક પદયાત્રા પણ યોજાઈ હતી અને તેમાં પણ આ નેતાઓ જોડાયા હતા.
રાજકોટમાં સાંસદ, ધારાસભ્યો અને મેયર પદયાત્રામાં જોડાયા
રાહુલ ગાંધી સામે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન હોવાથી રાજકોટમાં પણ ભાજપ દ્વારા જ્યુબીલી ચોકથી ત્રિકોણ બાગ ચોક સુધી પદયાત્રા અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સંસદસભ્ય પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેટરો તથા ભાજપના હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ નિમિત્તે ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે, અમેરિકામાં જઈને રાહુલ ગાંધીએ જે દેશદ્રોહી વલણ અખત્યાર કર્યું હતું તેના વિરોધમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ ભાજપ સત્તા ઉપર આવશે તો અનામત પ્રથા નાબુદ કરશે તેવો ખોટો પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કરેલા વાણીવિલાસ સામે ભાજપ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.