રાજ્યમાં ઠંડીમાં ઘટાડો, રાજકોટમાં 15 ડિગ્રી
ગાંધીનગરમાં 11.4 અને નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન
રાજકોટ : શિયાળાની શરૂઆત વચ્ચે ગાંધીનગર અને નલિયાને બાદ કરતા રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું હતું. બીજી તરફ મંગળવારે ગાંધીનગર 11.4 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.કચ્છના નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજકોટ સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન ફરી વધી રહ્યું છે. મંગળવારે ગાંધીનગરમાં 11.4, અને નલિયા તથા વડોદરામાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે તિવ્ર ઠંડી અનુભવાઈ હતી. જયારે રાજકોટમાં 15, પોરબંદરમાં 15.2, અમદાવાદમાં 15.9, અમરેલીમાં 16.6, ભાવનગરમાં 17.2, ડિસામાં 15.4, દિવમાં 17.6, અને દ્વારકામાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.બીજી તરફ અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થવાના બદલે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહયો છે. ત્રણ દિવસ પહેલાં અમરેલીમાં લઘુતમ તાપમાન 13.4 નોંધાયું હતું.જયારે મંગળવારે 3 ડિગ્રી વધીને 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.