રાજકોટની વસતી અને વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે પરંતુ પીવાના પાણીના સ્ત્રોત મર્યાદિત હોવાને કારણે નર્મદા નીર ઉપર નિર્ભર રહેવું પડે છે. આ ઉપરાંત પાણી તો મોઢે માંગ્યું મળી રહ્યું છે પરંતુ તેને ફિલ્ટર મતલબ કે શુદ્ધ કરવાની ક્ષમતા પણ મર્યાદિત હોવાથી ડહોળું પાણી વિતરણ પણ થવાની ફરિયાદ મળતી રહી છે. આ તમામ સમસ્યાના નિવારણ માટે મહાપાલિકા દ્વારા કણકોટ રોડ ઉપર 143 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાણી ફિલ્ટર કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવશે. આ અંગેની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા કરી દેવાયા બાદ આજે ગુરૂવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેના ઉપર નિર્ણય લેવામાં આવશે.
આ ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે તંત્ર દ્વારા 136 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરીને ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમદાવાદની ક્રિષ્ના કોર્પ ઈન્ડિયા પ્રા.લિ. અને ક્રિષ્ના ક્નસ્ટ્રક્શન કુાં. દ્વારા 4.66% `વધુ’ ભાવથી કામ કરવા તૈયારી દર્શાવાતા તેમને કામ આપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આ પ્લાન્ટ કણકોટ રોડ પર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં 54558 ચોરસમીટર જગ્યામાં બનશે. આ કામ બે વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે અને અહીં દરરોજ 15 કરોડ લીટર પાણી ફિલ્ટર કરવામાં આવશે જેથી ચાર લાખ લોકોને ચોખ્ખા પાણીની સુવિધા મળશે તેવો અંદાજ તંત્રએ વ્યક્ત કર્યો હતો. આ પ્લાન્ટ ઉપર ન્યારી-1 ડેમમાં સંગ્રહિત થતું વરસાદી પાણી તેમજ સૌની યોજના મારફતે ઠાલવવામાં આવતાં પાણીને ફિલ્ટર કરવામાં આવશે. ફિલ્ટર પ્લાન્ટ ઉપરાંત અહીં આઠ સ્ટાફ ક્વાર્ટર્સ, પાર્કિંગ શેડ, સ્પેશ્યલ સિક્યુરિટી રૂમ, વૃક્ષારોપણ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. 50 લોકો બેસી શકે તે પ્રકારે કોન્ફરન્સ રૂમ પણ અહીં બનશે.
દરરોજ 15 કરોડ લીટર પાણી શુદ્ધ કરાશેઃ બે વર્ષમાં કામ થશે પૂર્ણ
150 ફૂટ રિંગ રોડની બંને બાજુ ભળેલા વિસ્તારો ઉપરાંત નવા સમાનારાવિસ્તારોને ફુલ ફોર્સથી પાણીવિતરણ થઈ શકશેઃ આજે સ્ટેન્ડિંગ કમિટી લેશે નિર્ણય
