રહેણાંક, ઔદ્યોગિક અને ખેતીવાડી કનેક્શનમાં થતી હતી વીજચોરી
રાજકોટ : પીજીવીસીએલ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થતી વીજ ચોરી ડામવા છેલ્લા પાંચ દિવસથી 30 ટીમોને મેદાનમાં ઉતારી રહેણાંક, કોમર્શિયલ-ઔદ્યોગિક અને ખેતીવાડી વીજ ક્નેક્શનો ચેક કરી વીજ ચોરીના 244 કિસ્સા ઝડપી લઈ 116.45 લાખની વીજચોરી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબી, અંજાર, ભુજ અને જામનગર પીજીવીસીએલની 30 ટીમોને મેદાનમાં ઉતારી પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા, હળવદ, મુળી, તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવતા કુલ 1962 ક્નેક્શનોમાં ગેરરીતિના 244 કિસ્સા સામે આવતા કુલ મળી 116.45 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.
વધુમાં પીજીવીસીએલની 30 ટીમો દ્વારા પાંચ દિવસમાં બન્ને જિલ્લામાં રહેણાંકના 1711 કનેક્શન ચેક કરતા વીજ ચોરીના 217 કિસ્સા સામે આવતા 85.23 લાખની વીજચોરી પકડી પાડી હતી. જયારે ઔદ્યોગિક-કોમર્શીયલ 221 કનેક્શન ચેક કરવામાં આવતા 24 કિસ્સામાં ગેરરીતિ સામે આવતા 29.99 લાખની વીજ ચોરી ઝડપી લઈ ખેતીવાડીના 30 કનેક્શન ચેક કરતા 03 કનેક્શનમાં ગેરરીતિ સામે આવતા 1.23 લાખની વીજચોરી મળી કુલ 116.45 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.