મોરબી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં નવા મહેકમ સાથેના પોલીસ સ્ટેશન મંજુર
રાજકોટ રેન્જ હરણફાળ ભરવા એક કદમ આગળ વધી રહ્યું છે. રેન્જ આઈજી અશોક યાદવના માર્ગદર્શન હેઠળ નવા પોલીસ મથકો વધું મહેકમ સાથે મંજુર કરી પ્રજાની સુરક્ષાને દ્રઢ બનાવી છે. વર્ષ ૨૦૨૨ ના ઓક્ટોબર માસમાં ચાર્જ સંભાળનાર અશોક યાદવ પોતાના મિલનસાર સ્વભાવની જેમ જ કાર્યશૈલી પણ એટલાં જ નિપુણ છે.
રાજકોટ રેન્જમાં ચાર જિલ્લા જેમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ ગ્રામ્યનો સમાવેશ થાય છે. રેન્જ આઈજી તરીકે અશોક યાદવે કાર્યભાર સાંભળ્યા બાદ પોતાના રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડે નહીં અને વધુ સુદ્રઢ બને તે માટે ટૂંકા સમયમાં રેન્જ પોલીસને વધું મજબૂત બનાવી છે. જેમાં વાત કરીએ તો છેલ્લા છ માસમાં રાજકોટ ગ્રામ્યમાં કોટળાસાંગાળી પોલીસ મથકને વધું મજબૂત બનાવવા રામોદમાં આઉટ પોસ્ટ મંજુર કરવામાં આવ્યું છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરી નવું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.
તેમજ હાલના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓનો પણ રાફડો ફાટ્યો છે. અને સાયબર માફિયાઓ ન્યૂડ કોલ, ફેક કોલ, લિંક મારફતે લોકોને અવિરત ભોગ બનાવી રહ્યા છે, સાયબર ક્રાઇમ ઘટાડવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત મોરબી, દેવભૂમી દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં નવા સાયબર પોલીસ મથકોને મહેકમ સાથેની મંજૂરી આપવામાં આવતા લોકોની સુરક્ષામાં વધારો થશે. હાલ દેવભૂમી દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલ હોય જ્યાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી હાલ સુધી એક જ આઇપીએસ ઓફિસર મારફત જિલ્લાને સાંભળવામાં આવતો હતો, જે સુરક્ષાને ધ્યાને લઇ એસપી બાદ એસડીપીઓની જગ્યા મંજુર કરી વધું એક આઇપીએસ ઓફિસરને દ્વારકા જિલ્લાની સુરક્ષામાં તહેનાત કરવામાં આવશે.
ખાસ રેન્જ આઈજીની દુરંદેશી ખાસિયતથી મહિલાઓને પર થતાં ગુનાઓ અટકાવવા માટે ખાસ મહિલાઓ વિરૂદ્ધ થતાં ગુનાઓના કેસના નિવારણ માટે મોરબી તથા દેવભૂમી દ્વારકા જિલ્લામાં મહિલા ગુના વિરોધી યુનિટ સ્થાપવા મંજૂરી આપવામાં આવેલ છે.
મિલકત અને શરીર સંબંધી ગુનાઓ પર કાબુ: ૯૦ ટકાથી પણ વધુના ભેદ ઉકેલી રાજકોટ રેન્જ અવલ
રાજ્યના પોલીસ વડાએ રાજ્યભરમાં ખાસ મિલકત અને શરીર સંબંધી ગુનાઓ કાબુમાં રાખવા માટે સૂચના આપેલ હોય જેના અનુસંધાને રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવની રાહબરીમાં ક્રાઇમ રેટિંગમાં ઘટાડાની સાથે સાથે ડિટેક્શનમાં ધરખમ વધારો આવ્યો છે. રેન્જમાં મિલકત અને શરીર સંબંધી ગુનાઓમાં ૯૦ ટકાથી પણ વધુના ગુનાના ડિટેક્સન થતાં રાજકોટ રેન્જ રાજ્યમાં અવલ રહી છે. જેમાં ખાસ છેતરપીંડી, લૂંટ, ધાડ, ચોરી, હત્યા સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.
નોંધાયેલ | ગુના | ડિટેકશન |
લૂંટ – | ૩૨ | ૨૯ |
ધાડ- | ૫ | ૫ |
ઘરફોડ ચોરી- | ૧૪૦ | ૭૧ |
ચોરી- | ૪૮૭ | ૨૬૫ |
અપહરણ- | ૮૫ | ૮૧ |
છેતરપીંડી- | ૧૦૮ | ૧૦૨ |
હત્યા- | ૫૨ | ૫૨ |
હત્યાના પ્રયાસ- | ૫૨ | ૫૨ |
એનડીપીએસના ૩૨ દરોડા પાડી યુવાનોને ડ્રગ્સના એડિકટ થતા અટકવવાના પ્રયાસોમાં પણ અવલ
યુવાનોમાં સ્ટેટસ બની ગયેલા ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવાં વ્યસનથી આજ નો યુવાધન પાયમલ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ રેન્જને ડ્રગ્સ ફ્રી ઈન્ડીયાની મુહિમ હેઠળ ડ્રગ્સ મુક્ત કરવાં અશોક યાદવની રાહબરીમાં પોલીસે છ માસમાં એનડીપીએસના ૩૨ દરોડા પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપી પેડલરોને જેલ ભેગા કર્યા હતાં. સાથે સાથે પ્રોહીબિશન દ્રાઇવ હેઠળ દારૂના ૧૬૩૪૮ દરોડા પાડી કુલ રૂ.૧૪.૫૪ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે જુગારના ૧૨૪૦ દરોડા પાડી રૂ.૨.૯૫ કરોડનો મુદામાલ ઝડપી મોટી કાર્યવાહી કરી હતી.