બે વરસાદી સીસ્ટમને લીધે દક્ષિણ ગુજરાતમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ
નવસારીના ખેરગામમાં 5.5 ઈંચ , કપરાડામાં 5 ઈંચ અને ચીખલીમાં ૩ ઇંચ ખાબક્યો
-આજથી બે દિવસ હજુ વરસાદનું જોર રહેવાની આગાહી
ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં સહીત ૮૯ તાલુકામાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 5.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના કપરાડામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ચિખલીમાં 2 કલાકમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદની શક્યતા છે.
આજે 13 જિલ્લામાં 1 થી 5.4 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામમાં 5.4 ઇંચ, કપરાડામાં 5 ચીખલીમાં 3.9, આહવામાં 3.5, વલસાડમાં 3.1, વાંસદામાં 2.9, સુબિરમાં 2.7, વઘઇમાં 2.7, ધરમપુરમાં 2.5, ડોલવણમાં 2.2, પારડીમાં 1.7, ઉમરગામમાં 1.2, વાપીમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે. 12 જિલ્લામાં 10થી 20 મિ.મી. વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં 21 મિ.મી., તિલકવાડામાં 20, વિજાપુરમાં 15, કુંકાવાવમાં 15, હિંમતનગરમાં 14, મેંદરડામાં 13, નસવાડીમાં 12, બહુચરાજીમાં 10, બારડોલીમાં 10, સોનગઢમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.
