ફીની રકમ સ્લેબમાં વધારો કરવા અને FRCને નાબૂદ કરવા માંગણી
ગુજરાત શાળા સંચાલક મંડળની માગ-પ્રાથમિક વિભાગમાં રૂ. 15 હજારથી વધારી રૂ. 22,500 કરવા માંગણી
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે FRC ની ફીની રકમ સ્લેબમાં વધારો કરવા માટે મહત્ત્વપૂર્ણ માગ કરી છે. રાજ્યની ખાનગી શાળાઓ માટે વર્ષ 2017 થી ફી નિયમન સમિતિ કાયદો લાગૂ છે, જેમાં સાત વર્ષ થઈ ગયા હજુ સુધી મહત્તમ ફીની રકમમાં વધારો નથી કર્યો. એટલે કે રૂ. 15 હજાર , રૂ. 20 હજાર , રૂ. 25 અને રૂ. 30 હજાર ફી નક્કી કરેલી છે એની એ જ ફી હજૂ લાગુ છે.
બીજી તરફ જે શાળા દર ત્રણ વર્ષે ફી વધારો માગે તો તેને નિયમ પ્રમાણે આપવામાં આવે છે પરંતુ જે મહત્તમ ફી નક્કી કરવામાં આવી છે તેમાં કોઈ વધારો કે ફેરફાર નથી કરવામાં આવ્યો, જેના કારણે શાળા સંચાલક મંડળમાં નારાજગી જોવા મળી રહી છે. સંચાલક મંડળેએ તર્ક રજૂ કર્યો છે કે જે શાળા ફી વધારો કરવા માગે તો તેને ફી વધારો આપવામાં આવે છે, પરંતુ સ્લેબ પ્રમાણે જે શાળાઓથી ફી વસૂલતી હોય તેમનો શું વાંક ?
શાળા સંચાલક મંડળની માંગ છે કે FRC એ ફી સ્લેબમાં પ્રાથમિક વિભાગમાં 15 હજારથી વધારી રૂ. 22,500, માધ્યમિક વિભાગમાં રૂ. 20 હજારથી વધારી રૂ. 30 હજાર, ઉચ્ચતર વિભાગમાં સામાન્ય પ્રવાહમાં રૂ. 25 હજારથી વધારી રૂ. 37,500 કરવા આવે. ઉપરાંત, ઉચ્ચતર વિભાગમાં સાયન્સ વિભાગમાં રૂ. 30 હજારથી વધારી રૂ. 45 હજાર ફી સ્લેબ નક્કી કરવા માગ કરી છે. સાથે-સાથે સમિતિમાં એક ખાનગી શાળાનાં પ્રતિનિધિ અને પણ સ્થાન આપવા માટે માગ કરાઇ છે. સંચાલક મંડળ દ્વારા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ફી નિયમન સમિતિનો કાયદો લાગૂ કરવામાં ઉતાવળ કરવામાં આવી હતી. સાથે જ FRC ને પણ વિખેરી સ્થાનિક સ્તરે ફી વધારા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને નિર્ણય લેવાની સત્તા સોંપવા માટે પણ માગ કરી છે.
