પ્રિયંકા ગાંધીની ચૂંટણીને કેરળ હાઈકોર્ટમાં પડકારાઈ
ઉમેદવારી પત્રમાં પોતાની અને પરિવારની મિલકતની માહિતી છુપાવી
ભારતીય જનતા પાર્ટીના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકાની જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારીછે.નવ્યા હરિદાસે વાયનાડથી ભાજપની ટિકિટ પર પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તે પ્રિયંકા ગાંધી સામે 5,12,399 મતોથી હારી ગયા હતાં, તેઓ **CPIના ઉમેદવાર સત્યન મોકેરી બાદ ત્રીજા ક્રમે રહ્યા. કેરળ હાઈકોર્ટ સમક્ષની તેમની અરજીમાં, હરિદાસે દલીલ કરી છે કે પ્રિયંકા ગાંધીએ તેમનું ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની અને તેમના પરિવારની માલિકીની વિવિધ મિલકતો વિશે મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી.
હરિદાસની અરજીમાં દાવો કરવામાં આવ્યો કે પ્રિયંકા ગાંધીએ મતદારોને ગેરમાર્ગે દોર્યા છે, ખોટી માહિતી આપી અને મતદારોને અંધારામાં રાખ્યા. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે અનેક પ્રસંગોએ મતદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરવા કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.
આ મામલે સુનાવણી જાન્યુઆરી 2025માં થઈ શકે છે. ભાજપના નેતાનું કહેવું છે કે હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રજા હોવાના કારણે કેસની સુનાવણીમાં મોડું થશે.
પ્રિયંકા ગાંધીએ તેમના ચૂંટણી એફિડેવિટમાં કહ્યું હતું કે તેમની પાસે કુલ 4.24 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે કુલ સ્થાવર સંપત્તિ 13.89 કરોડ રૂપિયા છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેમના પતિ રોબર્ટ વાડ્રાની પાસે કુલ 37.91 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ ચૂંટણી એફિડેવિટ મુજબ પ્રિયંકા ગાંધી પર લગભગ 15 લાખ 75 હજાર રૂપિયાની લોન છે.