મહાપાલિકાના અનેક `બાબુ’ 30 મિનિટની જગ્યાએ દોઢ કલાક સુધી જમે છે ! મહાપાલિકામાં ફરજ બજાવતાં અધિકારી તેમજ કર્મચારીએ સવારે 10 વાગ્યાથી કચેરીએ હાજર થવાનું હોય છે પરંતુ આ સિલસિલો હજુ સુધી શરૂ થઈ શક્યો નથી. મહત્તમ સ્ટાફ 11 વાગ્યા બાદ કચેરીએ આવે છે. બીજી બાજુ સ્ટાફનો બપોરના ભોજનનો સમય 2ઃ30થી 3 વાગ્યા સુધીનો હોય છે પરંતુ અનેક સ્ટાફ બે વાગ્યાથી 4ઃ30 વાગ્યા સુધી જમીને પરત આવતો ન હોય લોકોએ નાછૂટકે તેમની રાહ જોઈને બેસી રહેવું પડે છે.
રાજકોટમાં સાફ-સફાઈ વ્યવસ્થિત થઈ રહી છે કે નહીં તેના પર ધ્યાન રાખવાની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સ્ટાફની બને છે. જો કે આ વિભાગમાં વારંવાર કઈ ને કઈ ગોલમાલ થયા વગર રહેતી જ ન હોય તે પ્રકારે કામમાં દાંડાઈ બાદ હવે અમુક અધિકારીઓ અને કર્મચારીઓ હાજરી પૂરવામાં રમત'રમી રહ્યાનું ધ્યાન પર આવતાં જ મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પર્યાવરણ ઈજનેર દ્વારા આવા 45 લોકોને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ 45 અધિકારીઓ-કર્મચારીઓની નોકરી જે વોર્ડમાં હતી ત્યાં હાજરી પૂરવાની જગ્યાએ અન્ય વોર્ડમાં હાજરી પૂરાવી હોવાનું ધ્યાન પર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી દ્વારા અલગ-અલગ વોર્ડમાં સફાઈ કામગીરી ઉપર ધ્યાન રાખનારા સેનેટરી ઈન્સ્પેક્ટર, સેનેટરી સબ ઈન્સ્પેક્ટર અને સેનિટરી ઓફિસર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. 45 જેટલા આ અધિકારી-કર્મચારીને જે વોર્ડમાં ફરજ સોંપવામાં આવી હતી નિયમ પ્રમાણે તે વોર્ડની ઓફિસ અથવા તો તે વોર્ડ જે ઝોનમાં આવતો હોય ત્યાંની ઝોનલ કચેરીએ જઈ મુકવામાં આવેલા ફેસ ડિટેક્શન મશીનમાં હાજરી પૂરાવવાની હોય છે પરંતુ જાન્યુઆરી મહિનામાં આ 45 લોકોએ પોતાની વોર્ડ કે ઝોન ઓફિસની જગ્યાએ અન્ય વોર્ડની ઓફિસમાં જઈ હાજરી પૂરાવી હોવાનું બહાર આવતાં કંઈકગોલમાલ’ થયાની આશંકાને પગલે આવું કરવાની જરૂર કેમ પડી તે અંગે ત્રણ દિવસમાં ખુલાસો પૂછાયો છે.
ખાસ કરીને જેમને નોટિસ અપાઈ છે તે 45 લોકો જે-તે વોર્ડની ઓફિસમાં હાજરી પૂરાવીને વ્યક્તિગત કામ માટે નીકળી ગયા હોવાનું પણ લાગી રહ્યું હોય હવે ત્રણ દિવસમાં શું જવાબ આપે છે તેના પર મીટ મંડાયેલી રહેશે સાથે સાથે જો ત્રણ દિવસમાં જવાબ નહીં આપવામાં આવે તો આગળની કાર્યવાહી કરાશે તેવો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે.
જે વોર્ડમાં ફરજ સોંપાઈ હોય ત્યાં અથવા મુખ્ય કચેરીએ હાજરી પૂરાવવાની જગ્યાએ બીજા વોર્ડની ઓફિસે જઇ મોઢું બતાવી દેતાં હોવાથી `ગોલમાલ’ની આશંકા
હાજરીમાં `સેટિંગ’ કરવા મુદ્દે જ લાંચ પણ લેવાઇ’તી
ગત 6 જાન્યુઆરીએ એસીબીએ અટિકા ફાટક પાસે વોર્ડ નં.17(બ)ની ઓફિસમાં દરોડો પાડીનેસેનેટરી સબ ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશભાઈ ગડિયલને એક હજાર રૂપિયાની લાંચ લેતાં પકડ્યો હતો. જીતેન્દ્ર દ્વારા રજા સરભર કરવાના બદલામાં પૈસા માંગવામાં આવ્યા હતા. એકંદરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં હાજરી પૂરવાનું અને હાજરીમાં સેટિંગ કરી આપવાનું દૂષણ ઘર કરી ગયું હોય તે પ્રકારે લાંચકેસ અને 45 અધિકારી-કર્મચારીને અપાયેલી નોટિસ પરથી લાગી રહ્યું છે.
