ધ્રોલના હજામચોરા ગામે તાંત્રિકવિધિ કરી ભાઈ-બહેને નાની બહેનની બલી ચડાવી
15 વર્ષની સગીરાને નગ્ન કરી છરીના ઘા ઝીંકી દીવાલ સાથે માથું અથડાવી ક્રૂરતા પૂર્વક મોતને ઘાટ ઉતારી
વોઇસ ઓફ ડે રાજકોટ
ધ્રોલના હજામચોરા ગામે વાડીએ રહેતા ભાઈ-બહેને મળી તાંત્રિક વિધિના નામે પોતાની 15 વર્ષની નાની બહેનની બલી ચડાવી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધી બંને ભાઈ બહેનને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.
ધ્રોલની વિજાનંદ સોસાયટીમાં રહેતા બિપીનભાઇ ગોપાલભાઇ બારૈયાની વાડીની ઓરડીમાં રહેતા અને ખેત મજૂરી કરતાં મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માંડવગામના મુવાળી ફળીયુના વતની છગનભાઇ તડવીના મોટા પુત્ર રાકેશ અને પુત્રી સવિતાએ ધાર્મીક વિધીના નામે પોતાની નાની બહેન શારદાબેન (ઉવ-૧૫)ને વાડીની ઓરડીમાં માતાજીના પાઠ નાખેલ હોય તે ઓરડીમાં બોલાવી તેને સુવડાવી કપડા કાઢી નાખી ક્રૂરતા આચરી રાકેશે લાકડી વડે અને સવિતાએ છરી વડે શારદાને આડેધડ ઘા મારી બાદમાં બંને આરોપીએ શારદાને મારી નાખવા માટે ઢસડીને ઓરડીની બહાર ઓસરીમાં લઇ જઇ લોખંડના ખાપીયામાં તથા દિવાલમાં શારદાનુ માથુ ભટકાડી શરીરે આડેધડ ઘા મારી ઇજાઓ હત્યા કરી હતી.
બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ દાહોદનો છગન તડવી અને તેનો ભાઈ તેમજ પત્ની અને ભાભી સહિતનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી બીપીનભાઈની વાડી રહે છે અને ખેત મજૂરી કરે છે. નાની બહેનની હત્યા કરનાર રાકેશ પરિણત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.