દેવધર ટ્રોફીમાં 21 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું સાઉથ ઝોન: મયંક-રોહન-વોશિંગ્ટન સુંદરની ધમાકેદાર રમત
નવમી વખત ચેમ્પિયન બન્યું સાઉથ ઝોન: 328 રનના જવાબમાં ઈસ્ટ ઝોન 283 રને ખખડ્યું
નવીદિલ્હી, તા.4
સાઉથ ઝોને નવમી વખત દેવધર ટ્રોફી ઉપર કબજો કર્યો છે તેણે દેવધર ટ્રોફીના ફાઈનલમાં ઈસ્ટ ઝોનને 45 રને પરાજિત કર્યું છે. આ સાથે જ સાઉથ ઝોન 21 વર્ષ બાદ આ ખીતાબને જીતવામાં સફળ રહ્યું છે. તે છેલ્લે 2002માં ચેમ્પિયન બન્યું હતું. સાઉથનીજીતમાં ઓપનર રોહન કુન્નુમલ અને કેપ્ટન મયંક અગ્રવાલે બેટિંગમાં મહત્ત્વનું યોગદાન આપ્યું તો બોલિંગમાં વોશિંગ્ટન સુંદરે કમાલનું પ્રદર્શન કર્યું હતું.
મેચમાં ટોસ જીતીને સાઉથ ઝોનના કેપ્ટન મયંકે બેટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનર રોહન અને મયંકે પહેલી વિકેટ માટે 181 રનની ભાગીદારી કરી હતી જેમાં રોહન કુન્નુમલે 75 બોલમાં 107 રનની ઈનિંગ રમી હતી જ્યારે મયંક અગ્રવાલે 83 બોલમાં 63 રન બનાવ્યા હતા.
મયંક ઉપરાંત વિકેટકિપર-બેટર એન.જગદીશને પણ ફિફટી બનાવી હતી. તેણે 54 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત રોહિત રાયડુએ 26, સાઈ કિશોરે અણનમ 24, સાઈ સુદર્શને 19 અને વિજયકુમારે 11 રન બનાવ્યા હતા.
ઈસ્ટ ઝોન વતી શાહબાઝ અહમદ, રિયાન પરાગ અને ઉત્કર્ષ સિંહે બે-બે વિકેટ મેળવી હતી. આ મેચમાં સાઉથ ઝોને 50 ઓવરમાં આઠ વિકેટે 328 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈસ્ટ ઝોનની ટીમ 46.1 ઓવરમાં 283 રને સંકેલાઈ ગઈ હતી.