દારૂની ‘ગિફ્ટ’ પછી વિવાદની રીટર્ન ‘ગિફ્ટ’
- મંત્રી રાઘવજીભાઈએ કહ્યું આ નિર્ણયથી આભ ફાટી નથી પડવાનું તો શક્તિસિંહે કહ્યું કે દારૂબંધી છે તો ગુજરાત સલામત છે
- મોરારીબાપુએ કહ્યું આ મારો વિષય નથી
- ગિફ્ટ સિટીમાં દારુની હાટડીઓ નહીં ખુલે- અલ્પેશ ઠાકોર
રાજકોટ
ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ‘ડાઈન વિથ વાઈન’ની છૂટ અપાઈ છે. લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે. જોકે, હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોને દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં. આ મુદ્દાને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને નિવેદનોનો મારો શરુ થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે આપેલી ગિફ્ટના બદલામાં વિવાદો રીટર્ન ગિફ્ટ તરીકે મળ્યા છે.
ભાજપના નેતાઓએ આ નિર્ણયને આવકાર્યો છે, તો વિપક્ષ આને વખોડી રહ્યું છે. તેમને કહેવું છે કે, દારુબંધી વાળા ગુજરાતમાં આ રીતે દારૂની છૂટછાટ આપવી યોગ્ય નથીં. સત્તાપક્ષ એવું કહે છે કે, સમય વીત્યે જરૂરી લાગે ત્યાં ફેરફાર કરવા જરૂરી હોય છે. ગીફ્ટ સિટી માટે આપવામાં આવેલી છૂટથી ગુજરાતનો દેશના અન્ય રાજ્યો અને વિદેશ સાથેનો વેપાર અને વ્યવહાર વધશે. કથાકાર મોરારીબાપુએ આ મારો વિષય નથી એવો પ્રતિભાવ આપ્યો છે તો બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર જુદા જુદા મીમ્સનો મારો થઇ રહ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે.તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે, આ નિર્ણયથી કોઈ આભ ફાટી પડવાનું નથી. સરકાર ગેરકાયદે દારુ સામે કડક કાર્યવાહી કરી જ રહી છે પણ સમયની માંગ અનુસાર, બીજા રાજ્યો કે બીજા દેશમાંથી આવતા લોકોની સગવડતા ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોર
ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું દારૂબંધીનો હિમાયતી છું અને રહીશ. ગિફ્ટ સિટીમાં માત્ર બહારથી આવતા લોકો માટે છૂટ અપાઈ છે. આ કોઈ નવી બાબત નથી ગુજરાતની અનેક હોટલોમાં આવી છૂટ છે. પરમીટ ધારકો માટે ગુજરાતની અનેક હોટલમાં આ વ્યવસ્થા પહેલાથી છે, ગિફ્ટ સિટીમાં ગુજરાતીઓ માટે છૂટ આપવામાં નથી આવી. કોઈ અમદાવાદથી ગિફ્ટ સિટીમાં દારૂ પીવા આવે એવું નહીં બને. ગિફ્ટ સિટીમાં દારૂની હાટડીઓ નથી ખૂલવાની.
સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસનાં રાજ્યસભાનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય છે. આ નિર્ણય ઘાતક અને દુઃખદ છે. ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, રાજ્ય સરકારે દારુ માટે ગીફ્ટ સિટીમાં જ છૂટ આપી છે પરંતુ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ રોકવા માટે સમગ્ર રાજ્યમાં છૂટ આપી દેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે, ગાંધીનગરમાં મંત્રીઓના બંગલાથી થોડે દુર દારુ મળી જ રહે છે.
કથાકાર મોરારીબાપુ
જાણીતા કથાકાર મોરારીબાપુએ નારી શક્તિ વંદના ના કાર્યક્રમમાં ભાવનગરમાં હાજરી આપી હતી. ગાંધીનગરમાં સરકારે દારૂ મુક્તિ આપતા મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી અને આ મારો કોઈ વિષય નથી. અત્યારે આ મામલે હું કહી વિશેષ કહી શકું નહીં.
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીના આ ગુજરાત રાજ્યને કલંકિત કરતી ઘટના છે, ગુજરાતની અસ્મિતાનું ઘોર અપમાન કહી શકાય તેવી સ્થિતિ ઉભી થવા જઈ રહી છે, ગાંધીના ગુજરાતમાં દરેક ગુજરાતીનું આ ઘોર અપમાન છે. જેના લીધે ગુજરાતની જનતાની લાગણી દુભાઈ શકે તેવું કૃત્ય થવા જઈ રહ્યું છે, ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટી ખાતે આપવામાં આવેલી છૂટ પર રોક લાગે.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોર
કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છે. રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે. સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કોઈપણ માણસ દારૂ પીને પકડાશે અને ક્રાઈમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે.
બોક્સ
નિયમો અંગે મૂંઝવણ
રાજ્ય સરકારના નિર્ણય બાદ તેના નિયમો અને કાયદાને લઇને લોકોમાં મૂંઝવણ સેવાઇ રહી છે. લોકોને સવાલ છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીને બહાર જનાર વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી અહી દારૂ પીને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાશે, પરંતુ પીધા બાદ બહાર નીકળવું હશે તો જરૂરી પુરાવા સાથે રાખવા પડશે. જો કે, આ મામલે વિગતવાર ટૂંક સમયમાં જાહેર નોટિફિકેશન જાહેર થઇ શકે છે. સુત્રો અનુસાર, નશાબંધીની ધારા 24-1-ખને ધ્યાનમાં રાખી નિયમો તૈયાર થશે.
મુંબઈની જેમ ગિફ્ટ સિટીમાં પણ FL3 લાયસન્સ સાથે દારૂ પીરસવાનો પરવાનો આપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ FL1 અને FL2 પ્રકારના લાયસન્સ અપાયા છે. FL1 લાયસન્સ હોલ્ડરને દારૂ હોલસેલમાં વેચવાનો પરવાનો આપે છે. FL2 લાયસન્સ અંતર્ગત પરમિટ ધરાવનારાઓને રિટેલ દારૂ વેચવાનો પરવાનો મળે છે FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામાં આવશે.
