આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કરી જાહેરાત
લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં પડી ગયા છે. આ વખતે વિપક્ષ એક થયો છે એટલે ગઠબંધનની રાજનીતિ વધુ જોવા મળશે. આવી સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધન હેઠળ બન્ને પક્ષ ચૂંટણી લડશે.
ગુજરાતમાં અત્યારે તમામે તમામ ૨૬ બેઠક ઉપર ભાજપનો કબજો છે.
ઈસુદાને કહ્યું કે, ‘INDIAનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ છે. ગુજરાતમાં પણ અમે સીટોની તપાસ કરી રહ્યા છે. INDIAથી ભાજપ ડરી ગયું છે. ભાજપને ખબર છે કે, 2034માં INDIA NDAને હરાવી દેશે. INDIAથી ડરીને પીએમ સહિતના દિગ્ગજો INDIAને પણ ગાળો ભાંડી રહ્યા છે. સત્તા બીજા નંબરની વાત છે. એટલે આ જ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. અમે પણ ગઠબંધનની સીટોની વહેંચણી કરીને ચૂંટણી લડવાના છીએ. હાલ બધુ પ્રાઈમરી તબક્કામાં છે, આગામી સમયમાં INDIAના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે અને આ વખતે જો સક્સેસ રહ્યા તો ભાજપ 26માંથી 26 સીટો લઈ જઈ શકશે નહીં.’
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ‘આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપના શાસનમા એના નેતાઓ દ્વારા મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના બનાવો ભૂતકાળમાં પણ બન્યા છે. ભાજપના લોકો ગુજરાતને ધીમે-ધીમે કેવી રીતે લૂંટી રહ્યા છે તે આપણે જાણીએ. તાજેતરમાં ભાજપમાંથી ઉકળતો ચરું બહાર આવ્યો. જેમાં એવી વાતો વહેતી થઈ છે કે, વિવિધ યુનિવર્સિટીના ટેન્ડરોથી માંડીને જમીન સહિત અનેક કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યાની ચર્ચા છે અને જેને લઈને રાજીનામા પણ પડ્યા છે. જો કે, આ આંતરિક બાબત છે. પરંતુ ગુજરાતના જે લોકો ટેક્સ ભરે છે તેના પૈસાનો હિસાબ ન મળે અને તેના કારણે જો રાજીનામા પડતા હોય ત્યારે તેની તપાસ થવી જોઈએ. પત્રિકાકાંડમાં જે રીતે નામો ઉછળ્યા છે, જેને લઈને ભાજપમાંથી કેટલાકના રાજીનામા પણ પડ્યા છે. જેથી ગુજરાતના આમ આદમી તરીકે એક સવાલ થાય છે કે, રાજીનામા પડે છે, કૌભાંડો થયા છે, કઈંક દૂરૂપયોગ થયો છે. મલાઈ ખાધી છે કે નહીં? તો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે.’