રાજકોટમાં સવારે ઝરમર વરસાદ, કચ્છમાં ઝાપટાં, દ્વારકામાં દોઢ ઇંચ, વેરાવળમાં એક ઇંચ પાણી વરસ્યું
આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વરસાદની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળો હજુ બરાબર જામ્યો પણ નથી ત્યાં વાતાવરણમાં એક બાદ એક પલટો આવતાં લોકો પણ મુંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. શુક્રવારે ગરમી-તડકો દિવસ દરમિયાન મહત્તમ સમયે ગાયબ થઈ ગયા હતા તો લોકોને વરસાદનાં દર્શન થતાં ચોમાસું વહેલું બેસી ગયું હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. એકંદરે સૌરાષ્ટ્રના વાતાવરણમાં જબ્બર પલટો આવ્યો હોય તેમ ઝરમર વરસાદથી લઈ દોઢ ઈંચ સુધી પાણી વરસી જતાં ખેડૂતોને પણ નુકસાન થયું છે. આજે શનિવારે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે શનિવારે રાજકોટ, જામનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જ રીતે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
બીજી બાજુ શુક્રવારે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો હતો. રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૦.૨ ડિગ્રી નોંધાયું હતું તો દ્વારકામાં ૩૦, સુરેન્દ્રનગરમાં ૩૧.૭ ડિગ્રી, મહુવામાં ૩૨.૬, પોરબંદરમાં ૨૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જ્યારે શુક્રવારે રાજકોટમાં સવારના સમયે ઝરમર વરસાદ વરસ્યો હતો તો કચ્છમાં ઝાપટાં પડ્યા હતા. જ્યારે દ્વારકામાં દોઢ ઈંચ અને વેરાવળમાં એક ઈંચ, જામનગરના કલ્યાણપુર સહિતના સ્થળે પણ વરસાદ નોંધાયો હતો.
