કોટેચા ચોકમાં ટ્રાફિકની અંધાધૂંધી: કંટાળેલા લોકોએ હાથે જ બેરીકેડ હટાવવી પડી
પેટા: સાત વાગતાંની સાથે જ વાહનોનો ‘ખીચડો’ થઈ જતાં પોલીસે બેરીકેડ ગોઠવી’ને થોડો સમય બંદોબસ્ત ગોઠવ્યો: જેવી પોલીસ ‘ગાયબ’ થઈ કે લોકોએ બેરીકેડ હટાવી નાખી રસ્તો કરાવ્યો ક્લિયર: કોટેચા ચોકમાં નક્કર વ્યવસ્થા નહીં ગોઠવાય તો લોકો આ રીતે જ પીસાતાં રહેશે
રાજકોટ, તા.3
રાજકોટમાં ટ્રાફિક સમસ્યામાં ઘટાડો લાવવા માટે તંત્ર દ્વારા કેકેવી બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું ઉદ્ઘાટન ન્હોતું થયું ત્યાં સુધી લોકો તેનું ઝડપથી ઉદ્ઘાટન થાય તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા હતા કેમ કે બ્રિજ નિર્માણને કારણે અહીં વારંવાર ટ્રાફિકના થપ્પે થપ્પા થઈ જતા હતા. તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ તેની એક મુલાકાત લેવા માટે લોકો અધીરા જોવા મળ્યા હતા. જો કે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ જાણે કે કેકેવી બ્રિજ કોટેચા ચોકમાંથી પસાર થતાં વાહન ચાલકો માટે અભીશાપ બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આવું જ ગતરાત્રે પણ બનવા પામ્યું હતું અને ટ્રાફિકની રીતસર અંધાધૂંધી થઈ જતાં પોલીસે દોડી જઈને બેરીકેડ ગોઠવી દીધા હતા.
જો કે પોલીસ દ્વારા બેરીકેડ ગોઠવાયા બાદ પણ ટ્રાફિક ઘટવાનું નામ લઈ રહ્યો ન હોય અહીં વધુ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો પરંતુ તેનાથી પણ કોઈ જ ફાયદો થયો હોય તેવું ન લાગતાં પોલીસે થોડો સમય અહીં રોકાઈને ચાલતી પકડી હતી. આ પછી જે રીતે વાહનોનો ‘ખીચડો’ થવા લાગ્યો તેનાથી કંટાળીને ખુદ વાહન ચાલકોએ જ ત્યાં ગોઠવવામાં આવેલી બેરીકેડ હટાવવી પડી હતી જેના કારણે ટ્રાફિકજામમાં મહદ અંશે ઘટાડો આવ્યો હતો.
અહીં મહત્ત્વનો પ્રશ્ર્ન એ છે કે આ સમસ્યા હવે કાયમી બની જાય તેવી શક્યતા છે જેના કારણે ટ્રાફિક પોલીસે મહાપાલિકા સાથે મળીને કોઈ નક્કર આયોજન કરવું પડશે અન્યથા અહીં અકસ્માત થવાની તો શક્યતા રહેશે જ સાથે સાથે વાહનો અથડાવાને કારણે મારામારી સહિતના બનાવો પણ બનવા લાગશે તેવો રોષ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.
