કેન્દ્ર સરકાર એસડીઆરએફના સહાય ધોરણો બદલાવવા અંગે કાર્ય કરી રહી છે: રાઘવજી પટેલ
માવઠાથી ખેડૂતોને થયેલી નુકસાનીમાં એસડીઆરએફના નિયમો તમામ ધોરણે બદલવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવતા કૃષિ મંત્રી
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજ્યમાં ગત સપ્તાહમાં પડેલા માવઠાથી અનેક ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને સહાય કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કૃષિમંત્રી દ્વારા પણ માવઠાથી થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં હવે સહાય અંગે એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં ગત સપ્તાહમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતરમાં ખરીફ પાક અને શિયાળુ રવિ પાકને નુકસાન થયું હોવાની ખેડૂતો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાની અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. માવઠાથી થયેલી નુકસાની અંતર્ગત ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાન હોય તેમાં હેક્ટર દીઠ રૂ.6800ની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે હવે એસડીઆરએફના સહાય ધોરણ બદલવાની વાત ચાલી રહી છે. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગેનો સર્વે ચાલી રહ્યો છે. જે પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે. એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ માટે કામ કરી રહી છે. તમામ ધોરણે એસડીઆરએફના નિયમો બદલવાની પ્રક્રિયા ચાલુ છે.